RMCમાં નવા શાસકોનું તા.25મીએ પ્રથમ બોર્ડ વિપક્ષ નગુણુ નિકળ્યુ, એકપણ પ્રશ્ર્ન ન મુક્યો

ભાજપના 15 નગરસેવકોએ 33 સવાલો પ્રશ્ર્નોતરીમાં મુક્યા, ગત ટર્મના લડાયક વિપક્ષી નેતા સાગઠિયાની કમી વર્તાઇ

રાજકોટ મનપામાં નવી ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ તા.25મીએ બોલાવવામા આવ્યુ છે. નવા શાસકો માટે આ પ્રથમ સામાન્ય સભા છે. આ નવી ટર્મમાં વિપક્ષના ફાળે વધુ ત્રણ બેઠક એટલે કે સંખ્યાબંધ સાત થઇ હોવા છતાં લડાયક કહી શકાય તેવા એકપણ નેતા ન હોવાની છાપ પ્રથમ સામાન્ય સભામાં જ દેખાઇ છે. વિપક્ષ જાણે તેમની ફરજ ચુક્યુ હોય તેમ કોંગ્રેસના એકપણ કોર્પોરેટરે પ્રશ્ન રજૂ કરવાની તસ્દી લીધી નથી. ગત ટર્મના લડાયક વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની કમી વર્તાઇ છે. જ્યારે ભાજપના 15 નગરસેવકો તરફથી આવાસ, પાણી વિતરણ, ગાર્ડન સહિતની શાખાના 33 પ્રશ્નો મુક્યા છે. પ્રથમ પ્રશ્ન સિનિયર નગરસેવક કેતન પટેલનો આવાસ યોજના, ટાઉન પ્લાનીંગ શાખાને લગતો છે. આગામી તા.25મીએ મળનાર જનરલ બોર્ડનો એજન્ડા ગઇકાલે બહાર પાડવામા આવ્યા બાદ સામાન્ય સભાની શરૂઆતમાં યોજાતી પ્રશ્નોતરીમાં વહેલા તે પહેલાના ધોરણે જે તે નગરસેવકના સવાલ લેવામા આવે છે. આ વખતે પોણા ભાગના નવા નગરસેવકો છે. પ્રજાની સમસ્યા, જનતાનો અવાજ અધિકારીઓ સુધી પહોંચાડવા માટેની સક્રિયા નવા નગરસેવકોમાં માત્ર શાસકપક્ષ ભાજપમાં જ દેખાઇ છે. વિપક્ષ સવાલ મુકતા ભુલી ગયુ કે પછી ફરજ ચુક્યુ તેવા ચિત્ર વચ્ચે કોંગ્રેસના એકપણ નગરસેવકે પ્રશ્ન રજૂ કર્યા નથી. જે 33 પ્રશ્નો ઇનવર્ડ થયા છે એ તમામ શાસકપક્ષ ભાજપના જ છે. ભાજપના 15 નગરસેવકોએ વિવિધ સવાલો રજૂ કર્યા છે.

હવે ટાઇમ લીમીટ નહીં, જેટલા પ્રશ્ર્નો મુકવા હોય એટલા મુકો અને ચર્ચા કરો

મ્યુનિ. કોર્પોરેશનમાં નવી બોડીના શાસકોએ ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ શાસનની પધ્ધતિથી માંડી કરકસરની બાબતમાં અનેક નવા પગલા લીધા છે. આજની સ્ટે. કમિટીની મીટીંગમાં લેવાયેલા નિર્ણયો તેની ગવાહી આપે છે. આ પૂર્વે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પણ વર્ષો બાદ ભાજપ પ્રમુખ હાજર ન રહેવાની નવી પરંપરા શરૂ થઇ છે. આટલા વર્ષો સુધી પાર્ટી પ્રમુખ સંકલનમાં હાજર રહીને નિર્ણયોની સુચના આપતા હતા. પરંતુ હવે સત્તા અને સંગઠન મોટા ભાગે સ્વતંત્ર અને એક બીજામાં હસ્તક્ષેપ કર્યા વગર કામ કરશે તે વાત આજે સંપૂર્ણ સાચી સાબિત થઇ ગઇ છે. સંકલનમાં મેયરમાં સ્પષ્ટ કહ્યું હતું કે સ્ટે. કમિટિ હોય કે જનરલ બોર્ડ, કોઇપણ કોર્પોરેટર કોઇપણ પ્રશ્ર્નના જવાબ માંગી શકશે અને ચર્ચા કરી શકશે. આજે બોર્ડનો એજન્ડા પણ બહાર પડ્યો હોય, બેઠક બાદ ઘણા કોર્પોરેટરોએ આગામી સભા માટે પ્રશ્નો રજૂ કર્યા હતા. વધુમાં મેયરે અગાઉ પણ જાહેર કરી હતી કે સામાન્ય સભા હોય કે સ્ટે. કમિટિની મીટીંગ, આ તમામ બેઠકો માટે કોઇ સમય મર્યાદા રહેવાની નથી. એટલે કે અત્યાર સુધી એક કલાકમાં જનરલ બોર્ડ સમેટી લેવામાં આવતું હતું તે પરંપરા પણ બંધ થશે. અમદાવાદ-સુરત જેવા કોર્પો.માં તો બપોરથી સાંજ સુધી બોર્ડ ચાલતા રહે છે તે ઉલ્લેખનીય છે.

15 પેટા સમિતિના ચેરમેન સહિતના નામ જનરલ બોર્ડમાં થશે જાહેર
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શાસક નેતા અને દંડક સહિત મુખ્ય પાંચ હોદેદારોની પસંદગી બાદ હવે બાકી રહી ગયેલી 15 પેટા સમિતિના ચેરમેનની ખુરશી કોણે મળશે તેની અટકળો શરૂ થઇ ચુકી છે. જે લોકોને મુખ્ય પાંચ હોદામાં સ્થાન નથી મળ્યુ તેવા ઇચ્છુક દાવેદારોને કઇ સમિતિમાં કેવુ સ્થાન મળે છે એ જોવાનું રહ્યુ. તમામ 15 સમિતિની રચના જનરલ બોર્ડમાં જાહેર થશે.

માત્ર ભાજપના જ આવેલા આટલા નગરસેવકોએ મુક્યા પ્રશ્ર્નો
કેતનભાઇ પટેલ, સંજયભાઇ ચાવડા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.રિંકલભાઇ મેઘાણી, કીર્તિબા રાણા, મહેશભાઇ પીપળિયા, મોહિતસિંહ જાડેજા, પંકજભાઇ લુણાગરિયા, ધૈર્ય પારેખ, શૈલેષભાઇ વસાણી, રાજુભાઇ અઘેરા, દર્શનભાઇ પેંગ્યાતર, જાનકીબેન કાટોડિયા અને રક્ષિતભાઇ કલોલા

રિલેટેડ ન્યૂઝ