શ્રી રામ પાર્ક, ભગવતી પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણી પ્રશ્ર્ને વિફરેલી મહિલાઓએ કર્યો ચક્કાજામ : બીજી ઘટનામાં બેડી-હડમતિયા રોડ પ્રશ્ર્ને મોરબી હાઈ-વે પર થયો ચક્કાજામ
રાજકોટ મહાનગરપાલિકામાં નવી બોડી આવ્યા બાદ નવા સુકાની (પદાધિકારીઓ) અધિકારીઓને ભલે ગમે તેટલા દોડાવે પણ પદાધિકારીઓના જ સાથી એવા નગરસેવકો ચૂંટાયા પછી નિષ્ક્રિયતાની નિંભરતા હદ વટાવવાનું શરૂ થઈ ચુક્યું હોય તેમ જનતાની સમસ્યાને અભેરાઈએ ચડાવવા લાગતા જનતા જનાર્દનને રોડ પર ઉતરવું પડે તેવી હાલત સર્જાઈ છે. શહેરમાં આવી જ રીતે વિફરેલા લોકોએ રોડ ચક્કાજામ કરવા પડે તેવી બે ઘટના બની હતી જેમાં ભાજપ શાસિત જ રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા બેડી-હડમતિયામાં બિસ્માર રોડથી ત્રાહીમામ લોકોએ મોરબી હાઈ-વે ચક્કાજામ કર્યો હતો. તો બીજી ઘટનામાં શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પરની સોસાયટીઓમાં પાણી પ્રશ્ર્ને નવા નગરસેવકો ભિર થઈને બેસી રહેતા હોય વિફરેલી મહિલાઓએ કુવાડવા રોડ ચક્કાજામ કર્યો હતો. રાજકોટના બેડી અને હડમતીયા ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં આખરે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર સત્તાવાળાઓને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય જીતુ સોમાણીને પણ વારંવાર જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પરિસ્થિતિ ’જેસે થે’ જેવી રહેતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી.તંત્રની બેદરકારીના વિરોધમાં આખરે સ્થાનિકોએ ઉગ્ર રસ્તો અપનાવ્યો હતો. આજે સવારે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામ નજીક એકત્ર થઈને ચક્કાજામ કર્યો હતો. જેને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમજાવટના અંતે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જ્યારે અન્ય ઘટનાઓમાં રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે. ચાર-પાંચ દિવસે પાણી આવે છે અને એ પણ નાકે ડૂચા દેવા પડે તેવી દૂર્ગંધયુક્ત હોવાની વ્યાપક ફરિયાદો છે. મનપામાં સતત ફરિયાદો કરવા છતા કોઇ ઉકેલ ન આવતા અંતે આજે મહિલાઓ વિફરી હતી. ખરા તડકે કુવાડવા રોડ પર લાઇનબંધ બેસીને ચક્કાજામ કરી દેતા પોલીસ બોલાવવી પડી હતી. વોર્ડ નં.4 ઉપરાંત કુવાડવા રોડ પર શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક વિસ્તારની મહિલાઓએ જણાવ્યુ હતુ કે, અમારા વિસ્તારમાં આમતો છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પાણીના ધાંધિયા છે. ક્યારે બે દિવસે તો ક્યારેક ત્રણ-ચાર દિવસે પાણી આવે છે. મનપામાં ફરિયાદ કરવા જાય તો દરવખતે એવો જવાબ મળે છે કે, કાલે પાણી આવી જશે. બીજુ એ કે અત્યંત દુર્ગંધયુક્ત પાણી આવતુ હોય ભયંકર રોગચાળાની ભીતિથી રહેવાસીઓ ફફડી રહ્યા છે.
નવા નગરસેવકોને ફોન કરો તો બીજી મિનિટે કરી નાંખે છે સ્વીચ ઓફ!
મહિલાઓએ કહ્યુ હતુ કે, અમારા વિસ્તારમાં ચૂંટાયેલા નવા નગરસેવકોને પાણીની આવી ગંભીર સમસ્યાની કંઇ પડી નથી. ફોન કરીએ તો સ્વીચ ઓફ કરી નાંખે છે. તો બીજીબાજુ અધિકારીઓના નંબર માંડ કરીને અમને મળ્યા. અધિકારી સરખો જવાબ આપતા નથી.
