રાજકોટમાં ગાર્ડન શાખાના કર્મચારીને દારૂ પીવાની ના પાડતા સિક્યુરીટી ગાર્ડ પર હુમલો

હુમલામાં ધવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો : પોલીસ તપાસ જારી

શહેરના જિલ્લા ગાર્ડન ઓફિસમાં દારૂ પીવાની ના પાડતા ચોકીદાર યુવાન ઉ5ર ગાર્ડન શાખાના કર્મચારીએ હુમલો કરી બેલા વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ રામનાથ પરામાં આવેલા ભવાની નગર શેરી નં.9/ 4માં રહેતો અને જિલ્લા ગાર્ડનમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો વિક્રમ મનુભાઇ પરમાર (ઉ.વ.31)નામનો યુવાન આજે સવારે જિલ્લા ગાર્ડનમાં પોતાની ફરજ પર હતો. ત્યારે ગાર્ડન શાખાના આશિષ પંડ્યાએ બેલા વડે હુમલો કરી માર મારતા તેને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં વિક્રમના જણાવ્યા મુજબ રોજ સાંજે સાત વાગ્યા બાદ જિલ્લા ગાર્ડન બંધ થઇ ગયા બાદ આરોપી આશિષ પંડ્યા જિલ્લા ગાર્ડનની ઓફિસમાં દારૂ પીતો હોય. જેથી તેણે આશિષ પંડ્યાને ઓફિસમાં દારૂ પીવાની ના પાડી હોય તે બાબતે તેણે ઝઘડો કરી હુમલો કર્યાનું જાણાવ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ