વિછિંયા અને ગોંડલની પેઢીના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ
રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડના કરોડો રૂૂપિયા બેંક ખાતાઓમાં જમા થતાં પોલીસ એક્શનમાં આવી છે. ડિજિટલ ગુનાઓ આચરતા સાયબર ગુનેગારો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનેગારો દ્વારા છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેવા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિસ્તારના વિંછીયા અને ગોંડલ ખાતે સાયબર ફ્રોડના કરોડો રૂૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાના બે મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં અલગ-અલગ પેઢીઓ અને ભાગીદારો સામે ગુના નોંધી તપાસ તેજ કરવામાં આવી છે. પ્રથમ કિસ્સામાં રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાંગરે એક ફરિયાદ નોંધાવી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે વિંછીયા ખાતે આવેલી ‘શક્તિ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં દેશભરમાંથી થયેલા 17 જેટલા સાયબર ફ્રોડની અરજીઓના કુલ રૂૂપિયા 1.06 કરોડ જમા થયા હતા. પોલીસ તપાસમાં આ પેઢીના ખાતાધારક તરીકે ત્રણ શખ્સો સામે આવ્યા છે જેમાં રાજકોટના પ્રકાશ રાજેશ મોરવાડીયા, ભુપગઢના અજેન્દ્ર દિલીપભાઈ ડોડીયા અને જસદણ સોમપીપળીયાના સુનિલ દેવશીભાઈ શેખ સામે ગુનો નોંધાયો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીઓના ખાતામાંથી અન્ય ત્રણ પેઢીઓમાં કુલ રૂૂપિયા 1.31 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં યુનિસફેર ઈન્ટરનેશનલ પ્રા. લી. ના ખાતામાં રૂૂ.65 લાખ અને ટ્રેડ કુન ઈન્ટરનેશનલ પ્રા. લી. ના ખાતામાં રૂૂ.34 લાખ અને સાંઈ એન્ટરપ્રાઇઝ ના ખાતામાં રૂૂ.32 લાખ ટ્રાન્સફર થયા હતા. આ ત્રણેય આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. બીજા કિસ્સામાં ગોંડલ સિટી બી. ડિવિઝન પોલીસને ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસે ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એક એકાઉન્ટની વિગતો મેળવતા જાણવા મળ્યું કે, ગોંડલના ગુંદાળા ચોકડી પાસે, પ્રાઇમ કોમ્પ્લેક્સના પહેલા માળે શોપ નં. 08 માં આવેલી ‘કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ’ નામની પેઢીનું એક જોઈન્ટ બેંક એકાઉન્ટ કાર્યરત હતું. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ખાતાની વિગતો ચકાસતા માલૂમ પડ્યું કે દેશના 13 રાજ્યોમાંથી આ એકાઉન્ટ વિરુદ્ધ કુલ 20 સાયબર ફ્રોડની ઓનલાઇન ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતામાં કુલ રૂૂપિયા આશરે રૂૂ.50 લાખ સાયબર ફ્રોડના જમા થયા હતા. ભોગ બનનાર રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, બિહાર, હરિયાણા, કર્ણાટક, આસામ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ પેઢીના ત્રણ ભાગીદારો રીબડીયા રૂૂત્વીક , હિતેશ અને જીગ્નેશે મળીને આર્થિક લાભ મેળવવા સારું સાયબર ફ્રોડની રકમ પોતાના ખાતામાં જમા કરાવી મૂળ આરોપીઓ સુધી નાણાં સગેવગે કરવામાં મદદ કરી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની ગતિવિધિઓ તેજ કરી છે.રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ હાથ ધરેલ તપાસમાં મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા ચાલતા મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે અને આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા સાયબર માફિયાઓ સુધી પોલીસ પહોંચે તેવી પૂરી શક્યતા છે.
