બોટાદના શખ્સ વિરૂદ્ધ નોંધાતો ગુનો રાજકોટમાં પુરૂષ મિત્રએ પરિણીતાના ઘરમાં ધુસી તોડફોડ કરી આપી ધમકી

મવડી પાળ રોડ પર આવેલી લાભુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી 33 વર્ષીય પરિણીતા તેજલબેન બાબરિયાને તેના જ બોટાદના પુરુષ મિત્ર ઘનશ્યામ બાબુ ભરાડિયાએ ઢોરમાર મારી, ઘરમાં ઘૂસીને તોડફોડ મચાવી હોવાની સનસનાટીભરી ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. લુખ્ખાએ પરિણીતા, તેના રિક્ષાચાલક પતિ અરુણ અને 10 વર્ષના માસૂમ પુત્ર ડેનિસને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
પરિણીતાને અગાઉ પતિ સાથે અણબનાવ હોવાથી રૈયા ચોકડી પાસે રહેતી હતી. ત્યારે મિત્રતાના દાવે ઘનશ્યામ અવારનવાર ઘરે રહેવા આવતો હતો. જોકે, ઘનશ્યામ વાળ ખેંચીને અસહ્ય મારપીટ કરી માનસિક ટોર્ચર કરતો હોવાથી કંટાળીને પરિણીતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો હતો. જેનો ખાર રાખી તે ઘરમાં ઘૂસી ગયો હતો અને ફ્રીઝ, ટીવી તથા મિક્સર તોડી રૂ.30 હજારનું નુકસાન કર્યું હતું. હુમલો કર્યા બાદ આરોપી પરિણીતાનું એક્ટિવા પણ લૂંટી ગયો હતો, જે 10 દિવસ પછી પરત આપ્યું હતું. અગાઉ સમાધાન થઈ ગયું હતું, પરંતુ છેલ્લા ચાર દિવસથી આરોપી ફરી અલગ-અલગ નંબર પરથી ફોન કરી આખા પરિવારને પતાવી દેવાની ધમકીઓ આપતો હોવાથી અંતે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ