પતિને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડયા બાદ ચોર ત્રાટકયા
શહેરના પંચાયત ચોક નજીક કૈલાશ પાર્કમાં રહેતા એક પરિવારમાં બીમાર પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા
જતાં પાછળથી ઘરમાંથી રૂ. 96,500 ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં એકલા રહેલા 90 વર્ષીય વૃદ્ધાએ સાચવીને રાખેલી રોકડ કોઈ અજાણ્યો શખ્સ ચોરી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો મુજબ,કૈલાશ પાર્ક-2 માં રહેતા રૂમીબેન હસુભાઈ રાજા (ઉ.વ. 44) સેન્ટ મેરી સ્કૂલમાં શિક્ષિકા છે. તેઓ તેમના 90 વર્ષીય માતા નિરંજનાબેન અને 92 વર્ષીય પથારીવશ પિતા હસુભાઈ સાથે રહે છે. ગત તા. 05/06/2026 ના રોજ પિતાની તબિયત લથડતા રૂમીબેન તેમને સિનર્જી હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં દાખલ કર્યા હતા. તા. 09/06/2026 ના રોજ સાંજે પિતાને રજા મળતા ઘરે પરત ફર્યા ત્યારે માતા નિરંજનાબેને જણાવ્યું હતું કે, ઘરમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ છે.
માતા નિરંજનાબેને પોતાના ભેગા કરેલા રૂ. 1,03,500 બેડ પર કપડાની થપ્પી ઉપર પ્લાસ્ટિકની કોથળીમાં એક ખાખી પૂઠાની વચ્ચે સાચવીને રાખ્યા હતા. તા. 06/06/2026 ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ તપાસ કરતા 96,500 ગાયબ હતા. વૃદ્ધ અને બીમાર માતા-પિતાની દેખરેખ અને ઘરકામ માટે પરિવારે ચાર જેટલા લોકોને કામે રાખેલા છે. જેમાં ફાલ્ગુનીબેન છેલ્લા 6 વર્ષથી રસોઈ કામ કરે છે.રેશ્માબેન નેપાળી છેલ્લા 3-4 માસથી વાસણ સાફ કરે છે.
શોભાબેન નેપાળી છેલ્લા 5 વર્ષથી કપડા-કચરા પોતાનું કામ કરે છે.ભવ્યેશભાઈ વંશ છેલ્લા સવા બે માસથી પિતાના કેરટેકર તરીકે કામ કરતો હતો.પરિવારે પોતાના સ્તરે આસપાસમાં અને ઘરમાં કામ કરતા માણસોની પૂછપરછ કરી તપાસ કર્યા બાદ પણ રૂપિયા ન મળતા અંતે પોલીસનું શરણું લીધું છે. આ મામલે યુનિવર્સિટી પોલીસેગુનો નોંધી, ઘરમાં આવતા-જતા શખ્સો અને નોકરોની પૂછપરછ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
