સરકાર પક્ષ દ્વારા નીચેની કોર્ટના હુકમને પડકારતી અપીલ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી’તી
રાજકોટની પરિણીતાને લગ્નજીવન દરમિયાન ઘરકામ બાબતે મેણાંટોણાં મારી, શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સાસરી પક્ષના આરોપીઓને નિર્દોષ છોડવાના નીચલી અદાલતના ચુકાદાને સેશન્સ કોર્ટ દ્વારા કાયમી રાખતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ફરિયાદી મીનાબેનના લગ્ન ધ્રોલના મોટા ઈટાળા ખાતે રહેતા દર્શનભાઈ યોગેશભાઈ જોષી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ દર્શનભાઈ જોષી, સાસુ ભાવનાબેન જોષી અને નણંદ રિધ્ધીબેન ઠાકર દ્વારા ફરિયાદીને “તુ આવ્યા પછી ઘરનું ધનોતપનોત નીકળી ગયું છે અને તને ઘરકામ કે રસોઈ કરતા આવડતું નથી” તેમ કહી મેણાંટોણાં મારી, શારીરિક-માનસિક ત્રાસ આપી, મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદીનમાં સાસુએ ગરમ કુકર અડાડીને દઝાડી દીધેલ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જે કેસમા પડધરી કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. નીચલી કોર્ટના હુકમ સામે સરકાર પક્ષ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે સરકાર પક્ષની અપીલ નામંજૂર કરી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો પડધરી કોર્ટનો ચુકાદો યથાવત રાખતો આદેશ કર્યો છે. આ કેસમા આરોપીઓ વતી યુવા વકીલ સંદીપ એન. સતાણી રોકાયા હતા.
