ભોગ બનનારને દોઢગણું વળતર ચૂકવવા અદાલતનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના નામે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને લલચાવી રૂ.12.31 લાખની છેતરપિંડી આચરનાર આરોપી અમિત ભાવસિંગ ચૌહાણને કોર્ટ દ્વારા સાત વર્ષની સખત કેદ અને ભોગ બનનારાઓને છેતરપિંડીની રકમ કરતાં દોઢગણું વળતર 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ ફરિયાદી રવિશંકર કુમાર ગૌતમ ઘર શોધી રહ્યા હતા ત્યારે ચાની લારી પર તેમની ઓળખાણ અમિત ભાવસિંગ ચૌહાણ (હાલ રહે. ધર્મજીવન સોસાયટી, સહારા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 304માં ભાડેથી, રાજકોટ. મુળ રહે. લક્ષ્મીવાડી, મનમોહન એપાર્ટમેન્ટની સામે રાજકોટ) સાથે થઈ હતી. તેમાં અમિતે રાજકોટ મ્યુ. કોર્પો.માં પોતાની ઊંચી ઓળખાણ હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા અને આવાસ યોજનાનું ફોર્મ ભરાવી રૂ.90 હજાર વસૂલ્યા હતા. બદલામાં મનપાના નામે નકલી સ્ટેમ્પ મારેલી પહોંચ આપી હતી. આરોપીએ આ જ મોડસ ઓપરેન્ડી અપનાવી ભરત ભટ્ટ, સુભાષકુમાર શાહ, મોહનભાઈ જાદવ, મુકેશભાઈ રાણા, ચંદ્રકાંત ચુડાસમા સહિત અનેક ગરીબ પરિવારો પાસેથી આવાસ, ગેસ કનેક્શન, પાણી કનેક્શન અને અન્ય વહીવટી પ્રક્રિયાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. લોકોને વિશ્વાસમાં લેવા માટે તેણે મનપાના અસલી દસ્તાવેજ જેવા દેખાતા નકલી એલોટમેન્ટ લેટર, પહોંચો અને નોટરાઇઝ્ડ વેચાણ કરારો પણ તૈયાર કર્યા હતા. પછી જ્યારે અરજદારોએ આવાસ ફાળવણી અંગે તપાસ કરી ત્યારે કોઈપણ પ્રકારની ફાળવણી ન થઈ હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના આસિસ્ટન્ટ મેનેજર દીપેનભાઈ ડોડીયાએ લેખિત અભિપ્રાય આપ્યો હતો કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સ્ટેમ્પ અને દસ્તાવેજો મનપાના નથી. મનપાનો સત્તાવાર સ્ટેમ્પ ગોળ હોય છે, જ્યારે આરોપીએ અલગ પ્રકારના નકલી સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હતો. વધુમાં પ્રિન્ટિંગ પ્રેસ સંચાલક પ્રતિક વોરાએ પણ જુબાની આપી હતી કે આરોપીએ તેની દુકાનેથી પ્રિન્ટિંગ કિટ ખરીદી હતી. કેસ દરમિયાન 32 સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલ પૂજા એસ. જોષીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ગરીબ લોકોને સરકારી યોજનામાં ઘર અપાવવાના નામે છેતરપીંડી આચરનાર અમિત ભાવસિંગ ચૌહાણને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જન્મેજય દુષ્યંતભાઈ પાધ્યાએ સાત વર્ષની સખત કેદ સહિત વિવિધ કલમો હેઠળ સજાઓ ફટકારી હતી.
આ ઉપરાંત ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357(3) હેઠળ ફરિયાદી અને અન્ય તમામ ભોગ બનનારાઓને છેતરાયેલી રકમની દોઢગણી રકમ વળતર પેટે 30 દિવસમાં ન ચૂકવે તો કલમ 421 મુજબની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કર્યો છે.
