આયાતી લાકડાની ખરીદ પેટે આપેલો 2.50 લાખનો ચેક પરત ફર્યો’તો
ચેક રિટર્ન કેસમાં સજા, બમણી રકમ વસુલવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામેની અપીલ સેશન્સ કોર્ટે મંજૂર કરી કેસ ફરીથી ચલાવવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો છે. કેસ મુજબ ગાંધીધામ (કચ્છ)ના મીઠી રોહર મુકામે ગુરુકૃપા ટિમ્બરના માલિક મણીલાલ નારણભાઈ પટેલ પાસેથી ભવાની શો મિલ પેઢીના ભાગીદાર નિકુંજ અમૃતલાલ જોગી અને રાજન અમૃતલાલ જોગીએ એગ્રીમેન્ટ કરી આયાતી લાકડું ખરીદ કર્યું હતું. રૂ.2.50 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક અપૂરતા ભંડોળને કારણે પાછો ફર્યો હતો. આથી મણિલાલ પટેલે ભવાની શો મિલના ભાગીદારોને લીગલ નોટિસ મોકલ્યા બાદ ગાંધીધામ કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ અંતર્ગત ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ રૂ.5 લાખ ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. ટ્રાયલ કોર્ટના હુકમ સામે આરોપીઓએ ગાંધીધામ સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સેશન્સ અદાલતે ટ્રાયલ કોર્ટનો સજા અને બમણી રકમના વળતરનો આખરી હુકમ રદ્દ કરી કેસ મેરિટ ઉપર ફરીથી નિકાલ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી પી. એમ. શાહ લો ફર્મના એડ્વોકેટ પિયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા, આસિસ્ટન્ટ રાજાભાઈ ભટ્ટ, વિપુલભાઈ દેવમુરારી, ગાંધીધામના એડવોકેટ પીન્કીબેન ઘોઘાલીયા અને નસીમબેન મૂંગરાણી રોકાયા હતા.
