રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના રેસકોર્સ રીંગરોડ પર આવેલી જનતા જનાર્દન સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે હાલમાં ચાલી રહેલી મહિલા ટી-20 મેચ પર ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ પીસીબીના હેડકોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, દિલીપ બોરીચા, કોન્સ્ટેબલ વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન રેસકોર્સ રીંગરોડ પર જનતા જનાર્દન સોસાયટીમાં રોડ પર એક શખ્સ મોબાઇલમાં ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતો હોવાની ચોકકસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જામનગર રોડ નંદનવન સોસાયટીમાં અૃમત રેસીડેન્સીમાં રહેતા પરેશ લલીતભાઇ ઝાલાને ઝડપી લઇ તેના મોબાઇલની તલાશી લેતા તેમાં અછખઢ 7777.ઈઘખ નામની આઇડી ખુલ્લી હોય જેમાં હાલમાં ચાલી રહેલી મહિલા ટી-20 વર્લ્ડકપની સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમતો હોવાનુ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિએ ઠપકો આપતા પત્નિએ એસિડ પીધું
શિતલ પાર્ક પાસે મોચીનગરમાં રહેતી રીટાબેન રાજુભાઈ ચૌહાણ (ઉ.26) પોતાના જીજા સાથે મોબાઈલમાં વાત કરતી હતી તે દરમિયાન પતિએ મોબાઈલમાં મશગુલ રીટાબેનને ઠપકો આપ્યો હતો. જે ઠપકાથી માઠુ લાગતાં રીટાબેને એસીડ પી લીધું હતું. રીટાબેનની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની સાથે ઝઘડો થતાં પાણીપુરીના ધંધાર્થીએ ઝેર પીધું
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતા પાણી પુરીના ધંધાર્થીને નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. જે અંગે માઠુ લાગી આવતાં પાણી પુરીના ધંધાર્થીએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોપટપરા વિસ્તારમાં રહેતાં અને પાણીપુરીનો ધંધો કરતાં શિવમ પ્રમોદભાઈ નાઈ નામનો 28 વર્ષનો યુવાન બપોરના સમયે પોતાના ઘરે હતો ત્યારે પત્ની સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બિમારીથી ત્રસ્ત વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
શહેરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શ્રીનાથજી સોસાયટી વિનાયકનગરમાં રહેતાં ધીરજભાઈ આપાભાઈ ડાંગર નામના 67 વર્ષના વૃધ્ધે માનસિક બિમારીથી કંટાળી પોતાના ઘરે રસોડામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
રાજકોટમાં અજાણ્યા યુવકની લાશ મળી
શહેરમાં જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે આજે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ,મૃતક યુવક રખડતું- ભટકતું જીવન જીવતો હતો અને આસપાસના વિસ્તારોમાં ભંગાર વીણવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાસ્થળેથી તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ યુવકનું મોત કોઈ બીમારી સબબ નીપજ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ