નાયબ કલેકટરનો હુકમ કાયમ રાખતા જિલ્લા કલેકટર
ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં આવેલી 12 એકર ખેતીની જમીનનો ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ જમીનની કાચી નોંધ ગોંડલના નાયબ કલેકટરે નામંજૂર કરી હતી. આ હુકમ સામે જમીન લેનાર અને વેચનાર પક્ષે રાજકોટ જિલ્લા કલેકટરમાં અપીલ કરી હતી. જોકે, અપીલના સમર્થનમાં પૂરતા પુરાવા ન હોવાથી કલેકટરે આ અપીલ ફગાવી દઈને નાયબ કલેકટરનો હુકમ માન્ય રાખ્યો છે અને વાંધેદારોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
આ કેસની વિગત મુજબ, શ્રીનાથગઢ ગામના સર્વે નં. 87 પૈકી 1 થી 5 (જૂનો સર્વે નં. 167) વાળી આશરે 12 એકર જમીન મૂળ વ્રજપાળ કેશવજી કોઠારીના પરિવારની સંયુક્ત અને વડીલોપાર્જિત મિલકત છે. આ પરિવારના દેશ-વિદેશમાં 75 થી વધુ વારસદારો છે. સરકારી રેકર્ડમાં અગાઉ નોંધ નં. 14 મુજબ 4 વારસદારો સુંદરજી વ્રજપાળ, મૂળચંદ ઝવેરચંદ, પ્રાણજીવન કપૂરચંદ અને રતિલાલ કપૂરચંદ ના નામ ચાલતા હતા. પરંતુ નવી માપણી વખતે પ્રાણજીવન કપૂરચંદ સિવાયના 3 વારસદારોના નામ રેકર્ડમાંથી કમી થઈ ગયા હતા. વાંધેદારોનો આક્ષેપ છે કે સામાન્ય રીતે નવી માપણીમાં જમીનના માપમાં ફેરફાર થાય, પણ માલિકોના નામ ઓછા ન થાય. આ કિસ્સામાં મોટું કૌભાંડ થયું હતું, કારણ કે સ્વ. નવીનચંદ્ર પ્રાણજીવન કોઠારી ત્યારે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
વર્ષ 1975માં ગોંડલ સિવિલ કોર્ટ અને ત્યારબાદ વર્ષ 1982માં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા (ફસ્ર્ટ અપીલ નં. 170/1976) મુજબ આ જમીનમાં તમામ હયાત વારસદારોનો હિસ્સો નક્કી કરવામાં આવ્યો હતો. આમ છતાં, પ્રાણજીવન કપૂરચંદના વારસદારોએ અન્ય વારસદારોને અંધારામાં રાખીને આ ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી.
આ જમીન ગોંડલના વિંઝીવડ ગામના ખાતેદાર તેમજ અમદાવાદની શાંતિ ક્ધસ્ટ્રક્શનવાળા કનૈયાલાલ જસમતભાઈ દેવાણી અને ધનસુખભાઈ જસમતભાઈ દેવાણીએ ગેરકાયદેસર રીતે ખરીદી હતી. આ મામલે મૂળ વારસદારો હેમેન્દ્ર જયવંતલાલ, કિરીટકુમાર રતિલાલ, ભદ્રકાન્ત મૂળચંદ, મુકેશભાઈ સાકરચંદ, તેજસ અને સાગર કામાણી વગેરે એ વાંધો ઉઠાવ્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટરે તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને આ વેચાણ દસ્તાવેજની કાચી નોંધ નામંજૂર કરી છે અને મૂળ વાંધેદારોના હિતમાં ન્યાયી ચુકાદો આપ્યો છે.
