RMCનું ઉલ્લુ બનાવીંગ! કમળાથી મોત છુપાવ્યું, આખા શહેરમાં મચ્છરજન્ય માત્ર બે જ કેસ!

રાજકોટની 20 લાખની વસતીમાં મચ્છરજન્ય રોગચાળાના બે જ કેસ, કમળાથી યુવાનનું મોત છતા કોર્પોરેશન અંધારામાં
ગુરુપ્રસાદ ચોક પાસે ત્રણ માસથી કમળાની બીમારીમાં સપડાયેલા યુવાને દમ તોડ્યો, કોર્પોરેશન ચોપડે ‘નીલ’ રિપોર્ટ

રાજકોટની જનતા અને સાથે સરકારને ઉઠ્ઠા ભણાવવામા એક્સપર્ટ મહાનગરપાલિકાના ચોપડે શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ માત્ર બે જ નોંધાયા છે. જોવા જેવુ તો એ છે કે, કામગીરીનું ડીંડક છતુ ન થાય એ માટે રોગચાળાથી મોતના કેસ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ છાપરે ચડીને છતો થયો છે. શહેરના ગુરુપ્રસાદ ચોકમાં ત્રિવેણીનગર સોસાયટીમાં રહેતા એક 37 વર્ષિય યુવાનનું કમળાના રોગચાળામાં મૃત્યુ થયુ છે. પાણીજન્ય રોગચાળાથી મોતનો આ કેસ પણ સરકારને મોકલવાના થતા અઠવાડિક રિપોર્ટમાં છુપાવવામા આવ્યો છે.
રાજકોટ મનપા દ્વારા રોગચાળાનો અઠવાડિક રિપોર્ટ સરકારમાં મોકલવામા આવે છે. તેમા વધુ એકવખત કરેલી કારીગીરી ખુલ્લી પડી છે. વિવિધ રોગચાળાના કાગળ પર દર્શાવેલા આંકડામાં મચ્છરજન્ય માત્ર બે જ કેસ(માનવામા આવે ખરાઘ?) દેખાડવામા આવ્યા છે. તો આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાથી એક મોત થયાની હકિકત પણ છુપાવવામા આવી છે. શહેરના પીડીએમ પાછળ સ્વામીનારાયણ સર્કલ પાસે ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલી ત્રિવેણીનગર સોસાયટીમાં અભીજીતસિંહ અજીતસિંહ પરમાર નામના 37 વર્ષિય યુવાનનું કમળાની બીમારીથી મોત થયાનો કેસ મનપાના રિપોર્ટમાં નથી. મનપા અંધારામાં રહી ગઇ છે કે, પછી સરકાર સુધી આ હકિકત ન પહોંચે એ માટે કમળાથી મોતનો કેસ છુપાવવામા આવ્યો છે? એવો સવાલ ઉઠી રહ્યો છે.

શહેરની ભાગોળે ચીભડામાં બીમારીથી ત્રણ માસના બાળકનું મોત
રાજકોટ શહેર જ નહીં પણ તેની ભાગોળે આવેલા વિસ્તારોમાં પણ રોગચાળાની ગંભીર હકિકત સામે આવી છે. લોધિકા હેઠળના ચીભડા ગામમાં રાધિકા લોકેશભાઇ હુદરિયા નામની એક ત્રણ વર્ષની માસુમ બાળકી ઝેરી તાવના ભરડામાં આવી ગઇ હતી. તેમને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્યા ટુંકી સારવારના અંતે મોત નિપજ્યુ હતુ. કેસ મનપાની હદની હોસ્પિટલમાં આવ્યો હોવા છતા મોતની હકિકતથી તંત્ર અંધારામાં છે.
ઝાડા-ઉલ્ટી, તાવ, શરદી-ઉધરસના કેસ ઘટયા હોવાનું પણ ચિત્ર ખડુ કરાયુ
અઠવાડિક રિપોર્ટમાં માત્ર મચ્છરજન્ય જ નહીં પણ અન્ય રોગચાળાના કેસ પણ ઘટયા હોવાનું ચિત્ર ખડુ કરવામા આવ્યુ છે. 20 લાખની વસતી વચ્ચે એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના માત્ર 359, તાવના 830 અને શરદી-ઉધરસના 724 જ્યારે ટાઇફોઇડના 2 અને કમળાના 2 કેસ નોંધાયા છે.
મચ્છરોનું બ્રીડીંગ થાય તેવી બેદરકારી દાખવનાર 599 આસામીને નોટિસ
મનપાની મેલેરિયા શાખાએ વિવિધ બાંધકામ સાઇટ, ઓફિસ, કોમ્પ્લેક્સ, સ્કુલ, હોસ્પિટલ, ભંગારના ડેલા, સેલર, વાડી-હોલ સહિત 798 જગ્યાએ મચ્છરોના બ્રીડીંગ સબબ ચેકીંગ કર્યુ હતુ. આ દરમિયાન બેદરકારી દાખવનાર રહેણાંક અને કોમર્શિયલ 599 યુનિટને નોટિસ ફટકારવામા આવી હતી. આ ઉપરાંતએક અઠવાડિયામાં 24873 ઘરમાં પોરાનાશક કામગીરી કરીને ફોગીંગ કરવામા આવ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ