પડધરી પંથકમાંથી પોલીસે દરોડો પાડી ક્લિનિક ઝડપી પાડ્યું’તું
પડધરી પંથકમાં કાયદેસરની તબીબી ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરવા અંગેના કેસમાં નીચલી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યા સામે સરકારની અપીલ સેશન્સ કોર્ટે રદ કરી નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે.
આ કેસની હકીકત મુજબ, પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ભૌમિકસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી સીએમએસએનડીની ડિગ્રી સિવાય અન્ય કોઈ મેડીકલ પ્રેકટીસની ડિગ્રી ધરાવતા ન હોવા છતાં પોતે પોતાની દ્વિશિકા કલીનીકમાં એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન સીરિંજ, નીડલ તથા મેડીકલ પ્રેકટીસને લગતો સામાન રાખી દર્દીઓને સારવાર આપી અંગત ફાયદા સારૂં દર્દીઓના જાન જોખમમાં મુકવા બાબતે પડધરી પો.સ્ટે.માં મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ-30 મુજબની ફરીયાદ થયેલ અને પડધરી પોલીસે આરોપીની અટક કરી પુરતો પુરાવો મળી આવતા નીચેની કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું. આ કેસ ચાલી જતા પડેલ પુરાવો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લેતા તેમાંથી દર્દીને સારવાર આપેલ હોય કે દવા આપેલ હોય અને ડોકટર તરીકે કલીનીક ચલાવતા હોય તે હકીકત સાબિત ન થતાં જેએમએફસી દ્વારા આરોપી ભૌમિકસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ હુકમથી નારાજ થઈ સરકાર તરફે આરોપી સામે સેશન્સ કોર્ટમાં ફોજદારી અપીલ દાખલ થયેલ, જે અપીલ ચાલી જતાં આરોપી તરફે એડવોકેટ સિધ્ધરાજસિંહ કે. જાડેજાની રજુઆતોમાં નીચેની કોર્ટનો હુકમ કાયદાની જોગવાઈ મુજબ અને ઉચ્ચ અદાલતોનાં અપાયેલા માર્ગદર્શક સિધ્ધાંતોને ધ્યાને લઈ હોવાનું અર્થઘટન કરેલ હોય રાજકોટ સેશન્સ કોર્ટ સરકારની અપીલ નામંજુર કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો. આ કામમાં આરોપી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજા, પડધરીનાં જે.વી.ઝાલા અને આર.ડી. જાડેજા રોકાયા હતાં.
