એક જેસીબી, બે ટેકટર સહિત મુદ્દામાલ જપ્ત: વાહન ચાલકો સામે કાર્યવાહી
ગોંડલ તાલુકા પોલીસની ટીમ દ્વારા વાછરા ગામની સીમમાં આવેલી નદીમાંથી ગેરકાયદેસર ખનીજ અને માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી એક જે.સી.બી. મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (ઉઈંૠઙ) નિર્લીપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક (જઙ) વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.આર. ડામોરની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન વાછરા ગામની સીમમાં મીઠાભાઈની વાડી પાસે આવેલી નદીના વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે નદી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે સ્થળ પર તપાસ કરતા ત્યાં ગેરકાયદેસર રીતે માટી અને ખનીજ ચોરી કરી રહેલું એક જેસીબી અને બે ટ્રેક્ટર રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ વાહનો અને મુદ્દામાલને કબજે કરી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા છે. વાહનોના ડ્રાઈવરોને આર.ટી.ઓ. મેમો તેમજ ખાણ-ખનીજ ખાતાનો મેમો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભુસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનીજ વિભાગની કચેરીને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.
