રાજકોટમાં ગઠીયાએ કિન્નરનો સ્વાંગ રચી પરિણીતાનું સોનાનું માદળીયુ પડાવી લીધું

બિમાર પતિને સાજો કરવા નજર ઉતારેલુ પાણી ઢોળવાના બહાને બાઇક લઇ નાસી છુટતા ફરીયાદ

રાજકોટ શહેરના રૈયારોડ પર આવેલી મારવાડી સોસાયટીમાં ધોળા દિવસે એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા ગઠિયાએ કીન્નરનો વેશ ધારણ કરીને એક લાચાર મહિલાને તેના લકવાગ્રસ્ત પતિને સાજો કરી દેવાની ખોટી લાલચ આપીને છેતરી લીધી છે. આ અજાણ્યો કીન્નર મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને અંધશ્રદ્ધાનો સહારો લઈને મહિલાના ગળામાંથી આશરે 50,000 રૂૂપિયાની કિંમતનું 5 ગ્રામનું સોનાનું માદેળીયું (તાવીજ) કઢાવીને પાણીના ગ્લાસમાં નાખી ખાવડાવી, નજર ઉતારવાના બહાને બાઇક પર આવેલા તેના સાથીદાર સાથે પલાયન થઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત એવી છે કે રૈયારોડ પર દ્વારીકાધીશ સોસાયટીની બાજુમાં આવેલી મારવાડી સોસાયટી શેરી નંબર 05 માં રહેતા 40 વર્ષીય ગૃહણી સંતોકબેન વીરમભાઈ ગુર્જર પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા. તેમના પતિ વીરમભાઈ, જેઓ વ્યવસાયે કલરકામ કરે છે, તેઓ છેલ્લા કેટલાક સમયથી પેરેલીસીસ (લકવા)ની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને પલંગ પર સુતા હતા. બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં એક અજાણ્યો માણસ કીન્નરનો વેશ ધારણ કરીને લેડીઝ જેવી કદ-કાઠી સાથે તાળીઓ વગાડતો વગાડતો તેમના ઘર પાસે આવ્યો હતો. સંતોકબેનને લાગેલ કે કોઈ સાચો કીન્નર આવેલ છે, જેથી આ કીન્નર સીધો જ તેમના ઘરમાં અંદર આવીને ખાટલા પર બેસી ગયો હતો અને વાતચીત કરવા લાગ્યો હતો. પલંગ પર સુતેલા વીરમભાઈને જોઈને કીન્નરે પૂછ્યું કે તારા પતિને શું થયું છે? સંતોકબેને ભોળા ભાવે જવાબ આપ્યો કે તેમને પેરેલીસીસ લકવાની અસર છે. આ સાંભળી ગઠિયાએ પોતે આ બીમારી સાજી કરી દેશે તેવી ખોટી ખાતરી આપી હતી અને સંતોકબેનને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યુ. ગઠિયાએ સંતોકબેનને લલચાવતા કહ્યું કે, તમે એક ગ્લાસ પાણીમાં મીઠું અને મરચું નાખીને લઈ આવો તો હું તમારા પતિની નજર ઉતારી દઈશ, જેથી તેઓ સાજા થઈ જશે. પોતાના પતિને ગંભીર બીમારીમાંથી મુક્તિ મળી જાય તેવા પવિત્ર અને ભોળા હેતુથી સંતોકબેન તરત જ પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યા હતા. ગ્લાસ આપતા જ કીન્નરે બીજી ચાલ રમી અને સંતોકબેનને તેમના ગળામાં પહેરેલું સોનાનું માદેળીયું (તાવીજ) પણ તે જ પાણીના ગ્લાસમાં નાખવા માટે કહ્યું હતું. પતિની ભલાઈ ઈચ્છતી આ મહિલાએ કશું જ વિચાર્યા વિના પોતાનું આશરે 5 ગ્રામ વજન ધરાવતું સોનાનું તાવીજ, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 50,000 જેટલી થવા જાય છે, તે પાણી ભરેલા ગ્લાસમાં નાખી દીધું હતું. ત્યારબાદ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ આ કપટી કીન્નરે સંતોકબેનને એવું જણાવ્યું કે, તે બહાર શેરીના ચોકમાં આ પાણી નાખીને હમણાં જ પરત આવે છે. કીન્નર પાણીનો ગ્લાસ લઈને ઘરની બહાર નીકળી ગયો હતા. સંતોકબેનને થોડી જ ક્ષણોમાં કંઈક અજુગતું લાગતા તેઓ પણ તેની પાછળ દોડ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. શેરીમાં એક શખ્સ સફેદ રંગનો શર્ટ પહેરીને હોન્ડા સાઈન મોટરસાયકલ લઈને ઉભો હતો, જેને આ કીન્નર વનરાજ નામથી બોલાવતો હતો. આ અજાણ્યો કીન્નર ઝડપથી તે મોટરસાયકલ પાછળ બેસી ગયો હતો અને બંને ગઠિયાઓ સોનાનું તાવીજ લઈને પળવારમાં છેતરીને રફુચક્કર થઈ ગયા હતા

રિલેટેડ ન્યૂઝ