‘રેટ કોન્ટ્રાક્ટ’માં મલાઇની ટકાવારી પ્રશ્ર્ને મેયર, મ્યુનિ.કમિશનરના મોઢા શરમથી સિવાઇ ગયા!

કૌભાંડો સામે આવતા જનતામાંથી ઉઠતા ધાણીફૂટ સવાલો : રૂ.સાડા ત્રણમાં મળતી પાણીની બોટલના 8, રૂ.15ની ચાના રૂ.21, આવા તો અઢળક છૂટક ખર્ચા માટે રેટ કોન્ટ્રાક્ટ કરતી વખતે ખબર ન પડે કે આટલા બધા ભાવ મંજૂર કરાય? શું નાના ગીગલાઓ છે?!

રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટા જંગલેશ્વર ડિમોલિશનની આડમાં લાખો રૂપિયાની કટકીના એક પછી એક આંકડા સામે આવી રહ્યા હોય આ વિવાદ મનપાની નવી ટર્મના શાસકોના કાર્યકાળની શરૂઆતમાં જ ગળામાં હાડકુ બરોબરનું ફસાયુ છે. આ તો માત્ર એક પ્રકરણમાં લાખો રૂપિયાની કટકી સામે આવી છે. આવુ તો વર્ષોથી ચાલ્યુ આવે છે અને ટેબલ નીચેના વહીવટ માટે ‘રેટ કોન્ટ્રાક્ટ’ એટલે કે ભાવબાંધણામાં ‘મલાઇ’ માટેની ગોઠવણ અગાઉથી જ થઇ જાય છે. આ ગોઠવણ એવી હોય છે કે, રૂપિયામાં મળતી વસ્તુના ભાવ બેથી ત્રણ ગણા મંજૂર કરવામા આવે છે અને તેમા કટકીબાજોની ટકાવારીનો વ્યવસ્થિત હિસ્સો હોય છે એ જગજાહેર છે. જંગલેશ્વર ડિમોલિશનના વિવાદથી શાસકોએ તો પોતાની ચામડી બચાવવા માટે તપાસ કમિટી બચવાની જુની પુરાણી મોડસ ઓપરેન્ડી અજમાવી. પણ આજે પત્રકાર પરિષદમાં સીટ(તપાસ કમિટી) રચવાની જ્યારે જાહેરાત કરવામા આવી હતી એ વખતે પત્રકારોના એકપછી એક સવાલો વચ્ચે ઘેરાયેલા મેયર ડો.નેહલ શુક્લ અને એ પછી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાના મોઢા પર રિતસર સેલોટેપ લાગી ગઇ હતી. પાણીની જે બોટલ સર્વિસ ટેક્સ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉમેર્યા પછી પણ હોલસેલમાં ત્રણથી ચાર રૂપિયામાં મળતી હોય તેનો ભાવ આઠ રૂપિયા! ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, જમણવાર, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિત આવા તો અઢળક વસ્તુઓ છે કે, જેમા બમણા ભાવના રેટ કોન્ટ્રાક્ટ છે. આવો રેટ કોન્ટ્રાક્ટ મંજૂર કરતા શું ધ્યાનમાં ન આવ્યુ? એવા સવાલ જ્યારે પુછાયા ત્યારે મેયર ડો.નેહલ શુક્લ અને કમિશનર તુષાર સુમેરાએ સરકારી ધારાધોરણોનો ઉપજાવ જવાબ આપી ભેદી ચુપકીદી સેવી લીધી હતી.

કોર્પોરેશનનું વધુ એક કટકીકાંડ, પાણી જેવી છાશના એક ગ્લાસના રૂ.153!

193 લાભાર્થીઓને પીવડાવાયેલી છાશનું બીલ રૂ.45 હજાર! સળસળાટ મંજૂર પણ થઇ ગયુ હતુ

ડિમોલિશન કટકીકાંડના વિવાદ વચ્ચે સાત વર્ષ પહેલા આવાસની સબસીડીના કાર્યક્રમમાં લાભાર્થીઓ માટે રખાયેલી છાશનું બીલ પ્રગટ થયું

મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખાણીપીણીમાં થતી ખાયકી આજકાલની વાત નથી. 2017માં પણ આવી જ રીતે છાશ કૌભાંડ થયું હતું. તા. 28 મે 2017ના રોજ જામનગર રોડ પર વાલ્મિકી વાડી પાસે વાલ્મિકી સફાઇ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓને સબસીડી ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 193 લાભાર્થીઓ હતા. થોડો ઘણો મનપાનો સ્ટાફ હતો. એ વખતે લોકોને છાશ આપવામાં આવી હતી. તેનો ખર્ચ રૂ. 45 હજાર થયો હતો. આ મુજબ સાદી છાશના એક ગ્લાસનો ખર્ચ 153 રૂપિયાથી વધુ થયો હતો. આ સામે કોંગ્રેસે વિરોધ ર્ક્યો હતો અને તત્કાલિન કમિશનર બંછાનીધી પાની તેમજ સંબંધિત અધિકારીઓને મફતમાં છાશ પીવડાવી દેખાવો કર્યો હતો.! હવે જંગલેશ્ર્વરમાં જ્યાફત ઉડાવનારા અધિકારીઓ ફરી એકવાર શકના ધેરામાં આવી ગયા છે ત્યારે છાશમાં થયેલી કથિત કટકી પણ વાયરલ થઇ છે.

રાજ્ય સરકારે લીધો મામલો હાથમાં

અહમ સવાલ : સરકારને શું અહેવાલ મોકલાશે એ મીડિયા સમક્ષ જાહેરમાં કરાશે?

જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા લાખોના કથિત ભ્રષ્ટાચારનો મામલો માત્ર રાજકોટમાં જ ટોક ઓફ ધી ટાઉન બનવા પુરતો સિમિત નથી રહ્યો. સમગ્ર રાજ્યમાં ડિમોલિશનના કટકીકાંડનો મામલો ગાજી રહ્યો છે. જંગલેશ્વર ડિમોલિશનના પ્રકરણની અત થી ઇતિ સુધીનો અહેવાલ રાજ્ય સ સરકાર પાસે મગાવ્યો હોવાનું જ જાણવા મળ્યુ છે. સરકારે તો અહેવાલ માગ્યો છે પણ સરકારને ઉઠા ભણાવવામા માહિર રાજકોટ મનપાના તંત્રવાહકો અને શાસકોની આપસી સમજૂતી બાદ કેવા પ્રકારનો અહેવાલ સરકારમાં મોકલવામા આવે છે એ અહેવાલ શું મીડિયા સમક્ષ રજૂ કરવામા આવશે?

વર્તમાન મેયરે પુર્વ પદાધિકારીઓ ઉપર જવાબદારી ઢોળી
મેયર ડો.નેહલ શુક્લે પત્રકાર પરિષદમાં એવો બુધ્ધિપુર્વકનો જવાબ આપ્યો હતો કે, જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચાઓનો અભ્યાસ ચાલી રહ્યો છે. અમારી નવી બોડી આવી એ પહેલા આ ડિમોલિશન થયેલુ છે. તેમ કહીને પુર્વ પદાધિકારીઓ ઉપર જવાબદારી ઢોળવાની દાનત રાખી હતી. જો કે તેની સામે મીડિયાકર્મીઓએ સવાલોનો એવો ચક્રવ્યુહ રચ્યો હતો કે, મેયર પાસે કોઇ જવાબ ન હતો. મીડિીયાકર્મીઓએ કહ્યુ હતુ કે, તમે ભલે નવી બોડીના મેયર રહયા. પણ ગત ટર્મમાં તમે સ્ટેન્ડીંગ કમિટીના સભ્યપદે હતા જ. એ વખતે જ રેટ કોન્ટ્રાક્ટ નક્કી થયા હતા તો ત્યારે તમારા ધ્યાનમાં કેમ ન આવ્યુ? બીજુ એ કે પૂર્વ પદાધિકારી કોઇ અન્ય પક્ષના તો હતા નહીં.

સો વાતની એક વાત: નિવૃત જજ, સમાજના તટસ્થ આગેવાન, પોલીસકર્મીને તપાસ કમિટીમાં કેમ ન લીધા?

મેયરે આપ્યો ઉઠા ભણાવતો જવાબ, કહ્યુ આ તો પ્રાથમિક સ્તરની તપાસ કમિટી છે!!

‘સીટ’ એટલે એક એવી તપાસ કમિટી હોય છે કે, તેમા સર્વપક્ષિય સભ્યો હોય છે. તેના બદલે અહીં તો જંગલેશ્વર કટકીકાંડમાં મનપાના અધિકારીઓની જ તપાસ કમિટી બનાવવાનું નાટક ભજવાઇ રહ્યુ છે? તપાસ કમિટીમાં નિવૃત જજ, શહેરમાંથી કોઇ તટસ્થ આગેવાન, પોલીસ કર્મચારીને તપાસ કમિટીમાં લેવાવા જોઇએ. એવુ શા માટે ન કર્યુ? તેની સામે મેયરે એવો બુધ્ધિપુર્વકનો જવાબ આપ્યો હતો કે, આ તો પ્રથમ સ્તરની તપાસ કમિટી છે. તેનો અહેવાલ રિપોર્ટ આવશે તેનો અમે અભ્યાસ કરીશુ!

જે બીલ ચુકવાઇ ગયા છે તે રીકવર કરવા કમિશનરનો દાવો, અમલ થશે ખરા?

સવાલ એ છે કે, કડદો બહાર ન આવ્યો હોત તો સળસળાટ ગરકી જાત

મેયર અને મ્યુનિ.કમિશનર બન્ને જંગલેશ્વર ડિમોલિશનનુ કટકીકાંડમાં બરોબરના ઘેરાઇ ગયા છે. દરોજ કટકીના નવા નવા આંકડ ઓનપેપર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાની છબી સ્વચ્છ રાખવાના જાણે પ્રયાસ રૂપે મ્યુનિ.કમિશનર અને મેયરે પત્રકારો સમક્ષ એવી ખાતરી આપી હતી કે, જે પેમેન્ટ રેટ કોન્ટ્રાક્ટમાં ચુકવાઇ ગયા છે તે રિકવર કરવા માટેના વિકલ્પો છે જ. ત્રણથી પાંચ રૂપિયામાં મળતી પાણીની બોટલના સીધા જ આઠ રૂપિયા ચુકવાયા હોય, ખાણીપીણીના ભુતિયા બીલ બન્યા હોય, આવા તો અનેક ખર્ચ ચુકવાઇ ગયાનુ ઓનપેપર મીડિયાએ સામે લાવ્યુ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી છે. આમછતા મેયર અને મ્યુનિ.કમિશનરે જાણે અગાઉથી થયેલી આપસી સમજૂતી મુજબ એક જ ‘સ્ટિરિયો ટાઇપ’ જવાબ આપ્યો કે ખર્ચ અયોગ્ય હશે તો રિકવર કરાશે!

રિલેટેડ ન્યૂઝ