Jai Hind

RMCની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ચલાવવા માટે SNK મેનેજમેન્ટે હવે હાથ કર્યા ઉંચા

કરાર 2027માં પુરો થઇ રહ્યો હોય એ પહેલા જ એસ.એન.કે. સ્કૂલ મેનેજમેન્ટે કરાર આગળ વધારવા અનિચ્છા દર્શાવી દીધી : શાળા સરકાર હસ્તક લઇ લેવાશે

રાજકોટ મનપા દ્વારા શહેરમાં વર્ષ 2015થી પીપીપી(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલથી ત્રણેય ઝોનમાં એક એક ઈંગ્લીશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ ચાલી રહી છે. હાલ તેનુ સંચાલન એસ.એન.કે. સ્કુલ સંભાળી રહી છે પરંતુ વર્ષ 2027થી એસ.એન.કે. સ્કુલ સાથે થયેલુ એમ.ઓ.યુ. પુરુ થતુ હોય એસ.એન.કે. સ્કુલે હવે મનપાની આ ત્રણેય સ્કુલનું સંચાલન સંભાળવામા હવે રસ નથી તેવી અનિચ્છા દર્શાવી હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય સ્કુલ સરકાર હસ્તક લઇ લેવાશે તેવો નિર્ણય કરાતો હોવાનું જાણવા મળ્યુ છે. સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવા પ્રત્યે ભારે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લીધે હાલ રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા એક પણ નથી. હાલ જે 3 શાળા કાર્યરત છે તે પણ પીપીપીના ધોરણે છે. આગામી વર્ષથી એસ.એન.કે. સાથેના અગિયચર વર્ષના કરાર પુરો થઇ રહ્યો છે. આ કરાર હવે આગળ વધારવો નથી તેવી અનિચ્છા એસ.એન.કે.એ વ્યક્ત કરી દીધી છે. આ વચ્ચે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા આગામી વર્ષ 2027થી શહેરમાં 3 અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જેથી આગામી વર્ષથી ત્રણેય શાળાઓમાં માત્ર 25- 25 જ નહીં પરંતુ અનલિમિટેડ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ જણાવ્યું હતું કે, મનપાની ઇંગ્લીશ સ્કુલ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર આ ત્રણેય શાળાઓ એમ જ કંટીન્યુ રહે અને તેનું હસ્તાંતરણ સંપૂર્ણ સરકારી શાળા તરીકે થઈ જાય તે માટેની કાર્યવાહી ચાલુ છે. હાલ ઙઙઙના ધોરણે કાર્યરત અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ એટલે સાધુવાસવાણી રોડ પર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, ભક્તિનગર સર્કલ પાસે વાણીયાવાડીમાં આવેલી કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી પાસે સ્થિત હોમી ભાભા સ્કૂલ જ્યાં કાર્યરત છે તે જ સ્થિતિમાં આગામી વર્ષથી યથાવત રહેશે.