બાઇકની ઠોકરે સ્કુટર ચાલક મહીલાના મૃત્યુ કેસમાં ટેન્કર હડફેેટે મોત નિપજવાનો પ્રૌઢનો આરોપ
શહેરમાં 80 ફુટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતાં પ્રૌઢના બાઈક હડફેટે બે વર્ષ પહેલા પર્ણકુટીર રોડ પર સ્કૂટર સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. જે અકસ્માત કેસમાં કોર્ટે મૃતકના વારસદારને રૂા.7950451 વળતર પેટે ચુકવવા હુકમ કરતાં પીજીવીસીએલના પ્યુને મહિલાનું ટેન્કર હડફેટે મોત નિપજ્યાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં રહેતા રસીકભાઈ દામજીભાઈ સોલંકી નામના 46 વર્ષના પ્રૌઢ સવારના સાતેક વાગ્યાના અરસામાં સોરઠીયાવાડી સર્કલ બગીચામાં હતાં ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં રસિકભાઈ સોલંકી બે ભાઈ એક બહેનમાં વચેટ છે અને તેમને સંતાનમાં એક દીકરી છે. રસિકભાઈ સોલંકી લક્ષ્મીનગર પીજીવીસીએલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. ગત તા.30-10-2023નાં રોજ પોતાનું બાઈક લઈ પર્ણકુટીર રોડ પર જઈ રહ્યા હતાં ત્યારે સ્કુટર ચાલક પાયલબેન પરિનભાઈ જનાણીને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાયલબેન જનાણીનું મોત નિપજતા ગુનો નોંધાયો હતો. જે અકસ્માત કેસમાં કોર્ટે મૃતક પાયલબેન જનાણીના વારસદારોને રૂા.7950451 વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. જે હુકમ કોર્ટ કર્મચારીઓ ગઈકાલે ઘરે આપવા માટે આવ્યા હતાં. જેથી રસીકભાઈ સોલંકીએ સ્કુટર ચાલક મહિલાનું મારા બાઈક હડફેટે નહીં પરંતુ ટેન્કર હડફેટે મોત નિપજ્યું હોવાના રટણ સાથે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
