જૂનાગઢની સગીરાને પ્રેમજાળમાં ફસાવી બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી તી
રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને પ્રેમજાળમાં ફસાવી, તેના પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. આ ચકચારી મામલે યુની. પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે. વધુમાં મળતી વિગત મુજબ, પીડિત સગીરા અગાઉ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તેની સાથે જ અભ્યાસ કરતા જૂનાગઢના કાત્રાસા ગામના એક શખ્સ સાથે તેની ઓળખાણ થઈ હતી. આ શખ્સે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી ગઈ હતી અને અહીં એક ગર્લ્સ છાત્રાલય (હોસ્ટેલ)માં રહીને ધોરણ 12નો અભ્યાસ કરતી હતી. નરાધમ શખ્સને જેવી જાણ થઈ કે સગીરા રાજકોટ રહે છે, કે તરત જ તે સગીરાનો પીછો કરતો રાજકોટ દોડી આવ્યો હતો. જે બાદ ગઈ તા.08- 03-2026 થી રાજકોટ આવેલા આ નરાધમે પોતાના ધરમનગર વિસ્તારમાં રહેતા ભત્રીજાનો સંપર્ક કર્યો હતો. સગીરાને લલચાવી-ફોસલાવીને તે ધરમનગરમાં આવેલા ભત્રીજાના સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો. અહીં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર કુકર્મ આચરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ સતત શોષણના કારણે માસૂમ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાએ જ્યારે આ અંગે આરોપીને જણાવ્યું ત્યારે નરાધમોએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. ગર્ભ રહી જતાં ગભરાયેલા મુખ્ય આરોપી અને તેના ભત્રીજાએ પાપ છુપાવવા માટે ખતરનાક પ્લાન બનાવ્યો. તેઓએ સગીરાના કેટલાક બીભત્સ (અશ્ર્લીલ) ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપીને સગીરાને ડરાવવામાં આવી હતી. સગીરા ભારે દબાણ હેઠળ આવી જતાં, બંને શખ્સોએ તેને બળજબરીપૂર્વક ગર્ભ ગર્ભપાત કરાવવાની દવાઓ પીવડાવી ગર્ભ પડાવી નાંખ્યો હતો. જેના કારણે સગીરાની તબિયત પણ લથડી હતી. સમગ્ર મામલો અત્યંત ગંભીર બનતા આખરે પીડિત સગીરા અને તેના પરિવારે હિંમત ભેગી કરી રાજકોટના યુની. પોલીસસ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આ મામલે પીઆઈ સી. એન.દવે અને ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અને તેને સાથ આપનાર તેના ભત્રીજા બંનેની ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી.
