રાજકોટમાં પ્રેમિકાને ઘરે લાવવાની જનેતાએ ના પાડતા પુત્રએ હાથ ભાંગી નાખ્યો

અન્ય ઘટનામાં યુવાનને અજાણ્યા શખ્સોેએ માર માર્યો

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મારામારીના બે જુદાજુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. માધાપર નજીક મનહરપુર ગામમાં પુત્રની સ્ત્રી મિત્રને ઘરે આવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં પુત્રએ પોતાની સગી માતાને અને વિજય પ્લોટ વિસ્તારમાં પ્રૌઢ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી દીધો હતો. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ, માધાપર બેડી દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે ખીજડાવાળી શેરી, મનહરપુર ગામમાં રહેતા કંચનબેન વિનોદભાઈ દરજીયા (ઉં.વ. 54) આજે સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ કંચનબેન ઘરે હતા, ત્યારે ’રેશમા’ નામની એક યુવતી તેમના દીકરા મયુરને મળવા માટે આવી હતી. કંચનબેનના જણાવ્યા અનુસાર આ યુવતી અવારનવાર ઘરે આવે છે અને આજે સવારે તે નશાની હાલતમાં આવી હતી. આથી કંચનબેને તેને ઘરે આવવાની ના પાડી હતી. માતાએ રેશમાને ટોકી તે તેના દીકરા મયુરને ગમ્યું નહોતું. આ બાબતનો ખાર રાખી મયુરે પોતાની માતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.
બીજા બનાવમાં, કુબલીયાપરા શેરી નંબર-12 માં રહેતા રમેશભાઈ શાંતિલાલ સોલંકી (ઉં.વ. 40) નવ વાગ્યાના અરસામાં વિજય પ્લોટ મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર તેમના પર હુમલો કરી માર માર્યો હતો. રમેશભાઈને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ બંને બનાવો અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સંબંધિત પોલીસ મથકને ડાયરી મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ