રાજકોટમાં નશાખોર પતિના માર મારવાથી પત્નીને બ્રેઈન સ્ટ્રોક આવતા તરછોડી દીધી

છૂટાછેડા માટે દબાણ કરી બાળકીને છીનવવાનો પ્રયાસ કરતા પોલીસમાં ફરિયાદ

શહેરના કોઠારિયા રોડ મેહુલનગરમાં હાલ માવતરના ઘરે રહેતી પરિણીતાને તેના પતિએ દારૂ પી બેફામ માર માર્યો હતો આટલું જ નહીં તેણી ઉપર ગર્ભાવસ્થામાં પણ ત્રાસ યથાવત રહ્યો હતો. જોકે માનસિક તણાવ વચ્ચે પરિણીતાને બ્રેઇન સ્ટોક આવતા પતિ સારવાર કરવાના બદલે તેણીને તરછોડી દીધી હતી.
આ અંગેની વિગતો મુજબ,કોઠારીયા રોડ મેહુલનગર-1/9માં રહેતા ભૂમીબેન અમરેલીયાના લગ્ન એપ્રિલ 2024માં વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા હર્ષદ લવજીભાઈ અમરેલીયા સાથે જ્ઞાતિના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ થોડો સમય સંયુક્ત કુટુંબમાં રહ્યા પછી બંને અલગ રહેવા ગયા હતા. પતિ હર્ષદ ટુર્સ અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હોવાથી અવારનવાર ટૂર પર જતો અને ઘરે આવતો ત્યારે દારૂ પીને પત્નીના ચારિત્ર્ય પર ખોટી શંકાઓ કરતો અને નાની-નાની વાતોમાં ઝઘડા કરી હાથચાલાકી કરતો હતો.
ભૂમીબેનને એવું કહીને છેતર્યા હતા કે તેમની પહેલી પત્નીનું અવસાન થયું છે. જોકે, હકીકતમાં તે હજુ હયાત છે અને હર્ષદ તેના તથા પહેલા લગ્નથી થયેલા પુત્ર સાથે સંપર્કમાં પણ હતો.ભૂમીબેન ગર્ભવતી હતા ત્યારે પતિને બાળક ન જોઈતું હોવાથી તે ન રાખવા અવારનવાર દબાણ કરતા હતા. મેડિકલ ચેકઅપમાં પણ સાથે નહોતા જતા. હદ તો ત્યારે થઈ જ્યારે પ્રેગ્નેન્સીના આઠમા મહિને દારૂના નશામાં પતિએ ભૂમીબેનને ધક્કો મારીને પછાડી દીધા હતા અને સારવાર કરાવવાને બદલે ટૂર પર જતા રહ્યા હતા.દીકરીના જન્મ બાદ પણ પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો. પતિના સતત દારૂ પીને હેરાન કરવાના માનસિક ત્રાસને કારણે ભૂમીબેનને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હતા. આ કપરા સમયે સાથ આપવાને બદલે હોસ્પિટલથી જ પતિ તેમને પિયર મૂકી ગયો હતો અને પરત લઈ જવાની ના પાડી દીધી હતી. પ્રિ-લિટિગેશનમાં સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ બંને અલગ જ રહેતા હતા. દરમિયાન ગત તારીખ 4 જુલાઈ 2026ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે પતિ હર્ષદે ભૂમીબેનના પિયર જઈ ઘરની બહાર ઊભા રહી બેફામ ગાળાગાળી કરી હતી અને દીકરીને બળજબરીથી લઈ જવાની કોશિશ કરી હતી. ભૂમીબેને તત્કાળ પોલીસ હેલ્પલાઈન ’112’ પર ફોન કરતા પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો.પતિના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ તથા છૂટાછેડા માટેના સતત દબાણથી કંટાળીને અંતે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ