રાજકોટ પંથકમાં વિજશોક લાગતા પીજીવીસીએલના કર્મચારી અને વૃદ્ધનું મોત

રીબ ગામે લાઇન બંધ હોવા છતાં પાવર આવતાં યુવક અને કાથરોટામાં પાણીની મોટરમાંથી ખેડૂતને લાગેલો કરંટ જીવલેણ નીવડ્યો

રાજકોટ પંથકમાં વીજ કરંટ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રીબ ગામે થાંભલા પર રિપેરિંગ કામ કરી રહેલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું અને કાથરોટા ગામે વાડીમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે વૃદ્ધનું વીજશોક લાગવાથી મોત નીપજ્યું હતું.
પ્રથમ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પંચમહાલના વતની અને હાલ ઢોલરા ગામે રહેતા 37 વર્ષીય સુફાર સનાભાઈ બારૈયા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. શનિવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ તેઓ રીબ ગામે વીજ ફોલ્ટ હોવાથી પોતાની ટીમ સાથે ફીડરમાં રિપેરિંગ કામ કરી રહ્યા હતા. સાથી કર્મચારીના જણાવ્યા મુજબ, રિપેરિંગની કામગીરી દરમિયાન લાઇન બંધ રાખવામાં આવી હતી, પરંતુ અચાનક રિટર્ન પાવર આવી જતા થાંભલા પર કામ કરી રહેલા સુફારભાઈને ભારે વીજશોક લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને જોઈને જ મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાનને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે, પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
બીજી ઘટનામાં કાથરોટા ગામે રહેતા 63 વર્ષીય રણછોડભાઈ વેલાભાઈ મકવાણા શનિવારે સાંજે ગામમાં આવેલી પોતાની વાડીએ ગયા હતા. તે દરમિયાન પાણીની મોટરમાંથી અચાનક વીજશોક લાગતાં તેઓ બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ