ઝડપાયેલા મુખ્ય સુત્રધારના રિમાન્ડ મેળવવા તજવીજ : હત્યા પાછળનું સાચુ કારણ બહાર આવશે
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસને પારડી ગામમાં થયેલા ચકચારી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પત્ની સમાન મહિલા પર જીવલેણ હુમલો કરીને ફરાર થયેલા મુખ્ય આરોપી પ્રવીણ ઉર્ફે લાખાલો ગલાભાઈ વાઘેલા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઉત્તરાખંડના હરિદ્વાર રેલવે સ્ટેશન પરથી પોલીસે ફિલ્મી ઢબે વેશ પલટો કરીને ઝડપી પાડ્યા છે. હજારો કિલોમીટર દૂર સુધી પીછો કરીને આરોપીઓને પકડી લાવવાની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 12 જૂન 2026ના રોજ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામે પ્રવીણભાઈ ઉર્ફે લાખાલો ગલાભાઈ વાઘેલા અને તેની સાથેના એક કિશોર ઓટોરિક્ષામાં આવી પહોંચ્યા હતા. બંનેએ 37 વર્ષીય જુબેદાબેન અયુબભાઈ ગુડદી પર છરી વડે ગળા અને પેટના ભાગે આડેધડ હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર હાલતમાં જુબેદાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 15 જૂનના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો ઉમેરી તપાસ વધુ તેજ બનાવી હતી.
આ ગંભીર હત્યા કેસના આરોપીઓને ઝડપવા માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર અને ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. રાણાની આગેવાનીમાં અલગ-અલગ સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
આરોપી સતત પોતાના મોબાઇલ નંબર અને લોકેશન બદલતો રહ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી મુરાદાબાદ સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી હતી, પરંતુ ત્યારબાદ તે ફરી હરિદ્વારમાં હોવાની પાકી બાતમી મળી હતી.
પોલીસને ખાનગી બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે જાણ થઈ કે આરોપી હરિદ્વારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. ત્યારબાદ શાપર પોલીસની ટીમ તાત્કાલિક હરિદ્વાર પહોંચી હતી. હરિદ્વાર જેવા ભીડભાડવાળા વિસ્તારમાં આરોપી ફરી ભાગી ન જાય તે માટે પોલીસકર્મીઓએ સામાન્ય યાત્રાળુ અને નાગરિકનો વેશ ધારણ કર્યો હતો. હરિદ્વાર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી યોગ્ય તક મળતા જ પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ વાઘેલા અને તેની સાથેના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઘેરીને ઝડપી લીધા હતા.
ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે શરૂઆતમાં બીએનએસની કલમ 109, 118 અને 154 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં જુબેદાબેનના મૃત્યુ બાદ કલમ 103(1) ઉમેરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીને રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવી તેને કોણે આશરો આપ્યો, ભાગવામાં કોની મદદ મળી અને સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરશે.
