રાજકોટમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના : શિક્ષિકાએ 4 વર્ષના માસુમને ડામ દીધા

બાળકે લેશન નહીં કરતા ટ્યુશન કલાસની શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધાની ફરિયાદ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં શિક્ષણના ધામ ગણાતા ટ્યુશન ક્લાસમાં મહિલા શિક્ષિકા દ્વારા માસૂમ બાળક સાથે અત્યંત ક્રૂરતા આચરવામાં આવી છે.શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતા 4.5 વર્ષના બાળક કશ્યપને લેશન ન કરવાના મામલે મહિલા શિક્ષિકા દ્વારા ગરમ તાવેતાથી દામ દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની વિગત મુજબ,રેલનગરમાં રહેતા ફરિયાદી વિશાલભાઈ યાદવના ભત્રીજા કશ્ર્યપને ટ્યુશન ભણાવતી નીરાલીબેન અશ્ર્વિનભાઈ નામના શિક્ષિકાએ બાળક લેશન લખતો ન હોવાના બહાને પોતાની હિંસક વૃત્તિ બતાવી હતી.ગત તારીખ 06/07 ના રોજ શિક્ષિકાએ ગરમ તાવેતો બાળકના ડાબા પગની સાથળ પર દામ દઈને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘરે આવીને બાળકની સ્થિતિ જોઈને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.જ્યારે બાળકના કાકા વિશાલભાઈ આ બાબતે શિક્ષિકાને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા, ત્યારે આરોપી મહિલાએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉલટાની દલીલો કરી હતી. શિક્ષિકાએ ઉશ્ર્કેરાઈ જઈને અપશબ્દો બોલ્યા હતા અને બાળક લેશન ન કરતું હોવાથી પોતે કરેલી આ ક્રૂરતાનું સમર્થન કર્યું હતું. આરોપીનું આ વર્તન સાબિત કરે છે કે તેને પોતાની આ હરકતનો કોઈ પસ્તાવો નથી. આ મામલે ફરિયાદી વિશાલભાઈ યાદવે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી મહિલા નીરાલીબેન વિરુદ્ધ કલમ 352 અને 118 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂૂ કરી છે. શિક્ષણના નામે માસૂમ બાળક પર કરવામાં આવેલી આ હેવાનિયત બદલ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.હાલ આ કેસમાં પ્ર. નગર પોલીસના પીએસઆઇ દિનેશભાઈ ગજેરા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ