કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થાની સ્થાપનાનો આજે 120માં વર્ષમાં મંગલ પ્રવેશ: ત્રણ દિવસની ઉજવણીનું આયોજન

એક દિવસના અનાથ બાળકથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકોના આધાર સ્તંભ સમી
દેશ વિદેશમાં 1600 બાળકો દત્તક અપાયા : દાતા, પરિવારો શુભેચ્છકોને બાલાશ્રમની મુલાકાત લેવા અનુરોધ

અનાથ બાળકોના આધાર સમી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થાની સ્થાપનાનો સ્થાપના દિવસ છે જેની અનાથ બાળકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસની ઉજવણીનું સુંદર આયોજન બાલાશ્રમ ખાતે કરવામાં આવેલ છે.
1899ના છપ્પનીયા દુષ્કાળની કારમી પરિસ્થિતિ ઉદભવી ત્યારે અસંખ્ય બાળકો અનાથ થતા ગામ-શહેરની ગલીઓમાં ભીખ માંગતા નજરે પડતા સને 1908 માં મોરબીના પ્રજાવત્સલ રાજવી તથા સમાજના શ્રેષ્ઠીઓએ રાજકોટમાં બાલાશ્રમની સ્થાપના કરેલ જેને 119 વર્ષ પુરા થઈને 120 માં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.
આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 1600 જેટલા બાળકો દેશ-વિદેશમાં દત્તક આપેલ છે. 375 અંતેવાસી દીકરીઓને પરણાવેલ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત એ.વી.જશાણી વિદ્યામંદિર સ્કુલમાં આશરે બે હાજર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ ફિલ્ડમાર્શલ કુમાર છાત્રાલયમાં 60 બાળકો તેમજ બાલાશ્રમમાં 100 જેટલી બાલિકાઓ જેમાં એક દિવસથી લઈને 18 વર્ષ સુધીની બાળાઓ આનંદ પ્રમોદ સાથે આશ્રય લઇ રહી છે.
આ ઉપરાંત મોરબી ખાતે આવેલ સંસ્થા સંચાલિત વૃધ્ધાશ્રમમાં 1600 થી વધુ વડીલ માવતરો આશરો લઈને નિવૃત જીવન વિતાવી ચુક્યા છે. તદુપરાંત હાલમાં પણ 50 થી વધુ વડીલો આશ્રય લઇ રહ્યા છે.
આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ શહેરમાં જેનું લોકાપર્ણ કરવામાં આવેલ સીનીયર સીટીઝન હોમ એન્ડ ડે કેર સેન્ટર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યું છે. મોરબીના પ્રજાવત્સલ રાજવી બાર એટ-લો કુમાર હરભમજી મહારાજાની પ્રેરણા અને આર્થિક મદદથી .સીતારામ પંડિતજી, સર પ્રભાશંકર પટ્ટણી ઉપરાંત શેઠ અબુબકર જીવાભાઈની આર્થિક મદદ તેમજ દીર્ધદ્રષ્ટિથી 1908 માં સ્થાપેલ “રાજકોટ મુકામે હતો કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ” અનાથ બાળકોની સંસ્થામાં રાજકોટના રાજવી .લાખાજીરાજ બહાદુર મહારાજાએ જયારે ચૌદ રૂપિયા તોલા સોનાનો ભાવ હતો ત્યારે એક હજારનું (આજના એક કરોડ રૂપિયા) નું અનુદાન સૌ પ્રથમ આપેલ અને સ્ટેટની શાળામાં આશ્રમના આશ્રિત બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા કરાવી આપેલ ઉપરાંત બાલાશ્રમની જમીન પણ અર્પણ કરેલ.
119 વર્ષ જૂની અનાથ બાળકોની આ સંસ્થાના સ્થાપના દિવસની બાળકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસ ચાલનાર યાદગાર ઉજવણીમાં શહેરના તમામ દાતા પરીવારો, શુભેચ્છકો તથા નગરજનોને બાલાશ્રમની રૂબરૂ મુલાકાત લઇ અનાથ બાળકોને આશીર્વાદ આપવા પધારવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ફિલ્ડમાર્શલ, ઉપપ્રમુખ. ચંદ્રકાંતભાઈ પટેલ, ખજાનચી. પ્રવીણભાઈ અઘારા, સહિતના તમામ હોદેદારોએ આગ્રહભરી અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ