રાજકોટમાં સુરક્ષા વધારવા પોલીસનો એક્શન પ્લાન ખાનગી સીસીટીવીનું પોલીસ કંટ્રોલ સાથે જોડાણ

સોસાયટી, એપાર્ટમેન્ટ અને વેપારીઓ સાથે મહત્વપૂર્ણ મીટીંગ

રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા થોડા દિવસો પૂર્વે ખાનગી ધોરણે સ્થાપિત સીસીટીવી કેમેરાને પોલીસની મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડવાની કામગીરી અંગે કરેલી ચર્ચા બાદ રાજકોટ શહેરી વિસ્તારમાં આવતા એરિયામાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા માટે પોલીસ કમિશ્ર્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા અંગત રસ અને રૂચિ દાખવીને એક વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ એ છે કે રહેણાંક વસાહતો કે સોસાયટીઓમાં મિલકત ધારકો માત્ર પોતાની વ્યક્તિગત મિલકત પૂરતા જ કેમેરા ન રાખે, પરંતુ સમગ્ર સોસાયટી સુરક્ષિત બને. પોલીસ પ્રશાસન દ્વારા એવો અભિગમ અપનાવવામાં આવ્યો છે કે સોસાયટીના તમામ મુખ્ય માર્ગો, આંતરિક શેરીઓ, મહત્વની મિલકતો તેમજ મુખ્ય એન્ટર-એક્ઝિટ પોઇન્ટ્સ પૂર્ણપણે કવર થાય. આ ઉપરાંત, સોસાયટીના એવા વિસ્તારો કે જ્યાં અંધારું રહેતું હોય અથવા જે ’બ્લેક પોઇન્ટ્સ’ અને ’એક્સિડન્ટ પોઇન્ટ્સ’ તરીકે ઓળખાતા હોય, ત્યાં ખાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી ગુનેગારોને છૂપાવવાની કોઈ જગ્યા ન મળે. રાજકોટ શહેર પોલીસ ઝોન-2 અંતર્ગત આવતા વિવિધ મહત્વના પોલીસ મથકો જેવા કે માલવીયાનગર, એ-ડિવિઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસ સ્ટેશન, પ્રદ્યુમનનગર તથા યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ પર સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સરકારી નિયમો અનુસાર કોમર્શિયલ પ્રોપર્ટી, દુકાનો અને શોપિંગ સંકુલોમાં તો સીસીટીવી ફરજિયાત છે જ અને જ્યાં નિયમભંગ થાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. પરંતુ હવે રહેણાંક વિસ્તારોને પણ આ જ તર્જ પર સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. ડીસીપી રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ તમામ સંબંધિત પોલીસ સ્ટેશનોના પી.આઈ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારની તમામ સોસાયટીઓ અને રહેણાંક બિલ્ડિંગોના પ્રમુખ અથવા જવાબદાર એસોસિએશનના હોદ્દેદારોને સત્તાવાર પત્ર પાઠવે. માત્ર પત્રવ્યવહાર જ નહીં, પરંતુ પોલીસની એક વિશેષ ટીમ સોસાયટીના હોદ્દેદારોની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમ નાગરિકોને સમજાવશે કે વર્તમાન સમયમાં સીસીટીવી કેમેરા શા માટે અનિવાર્ય છે. સીસીટીવી એક એવા ’સાયલન્ટ સિક્યુરિટી ગાર્ડ’ તરીકે કામ કરે છે, ખાનગી સીસીટીવી કેમેરાનું પોલીસ કંટ્રોલ સાથે જોડાણ થવાથી પોલીસનું ડિજિટલ સુરક્ષા કવર મજબૂત બનશે, પોલીસના આ સુરક્ષા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે દર મહિને દરેક પીઆઈ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવવામાં આવશે કે તેમના વિસ્તારમાં કેટલી નવી સોસાયટીઓમાં કેમેરા ઇન્સ્ટોલ થયા. આ સુરક્ષા મહા-અભિયાનમાં જનતાનો પણ વ્યાપક સહયોગ મળી રહ્યો છે, જે રાજકોટને વધુ સુરક્ષિત અને સ્માર્ટ સિટી બનાવવામાં મહત્વનું યોગદાન આપશે.

રિલેટેડ ન્યૂઝ