ગોંડલમાં હદપારીના નિયમનો ભંગ કરી શહેરમાં રખડતો શખ્સ ઝડપાયો

બાલાશ્રમ પાસેથી દબોચી લેતી પોલીસ

ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હદપારી ના હુકમનો સરેઆમ અનાદર કરીને ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશનાર એક શખ્સને પોલીસે બાલાશ્રમ વિસ્તારમાંથી ઝડપી પાડી જેલભેગો કર્યો છે.
મળતી વિગતો મુજબ, એ’ડીવીઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ શેખાભાઈ લુણી, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ યોગેશભાઈ બાલાસરા સહિતનો સ્ટાફ સાંજના સમયે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાલાશ્રમ પાસે પહોંચતા ત્યાં એક શંકાસ્પદ શખ્સ નજરે ચડ્યો હતો. તે અગાઉ તડીપાર કરાયેલો શખ્સ શની પ્રેમજીભાઇ પરમાર (ઉં.વ. 35, ધંધો-મજુરી, રહે. બાલાશ્રમ પાસે ખાડામાં, ગોંડલ) હોવાનું જણાયું હતું.
પોલીસ સ્ટાફને આ શખ્સ તડીપાર હોવાની પૂર્વ માહિતી હોવાથી, તેમણે તાત્કાલિક તેને કોર્ડન કરીને અટકાવ્યો હતો. હદપાર હોવા છતાં ગોંડલમાં પ્રવેશવા અંગે તેની પાસે પૂછપરછ કરાતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો .
ઉલ્લેખનીય છે કે, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (જઉખ) ગોંડલના હદપારી કેસ નં. 27/2026 (તા. 01/05/2026) ના હુકમથી આરોપી શની પરમારને રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર અને અમરેલી જિલ્લાની હદમાંથી ત્રણ માસ માટે હદપાર કરવામાં આવ્યો હતો.
હદપારીની શરતનો ભંગ કરવા બદલ પોલીસ કોન્સ. હરેશભાઈ લુણીની ફરિયાદના આધારે આરોપી વિરૂદ્ધ જી.પી.એક્ટ કલમ 142 મુજબ ગુનો નોંધી રાત્રે 07:30 વાગ્યે તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આગળની કાયદેસરની તપાસ હેડ કોન્સ્ટેબલ મહાવીરભાઈ મનુભાઈ બોરીચા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ