રાજકોટના વેપારીના ભૂલથી ખાતામાં આવેલા 5 લાખ ઉપાડી ખાતાધારક જુગાર રમી ગયો

મુંબઈ જુગાર ક્લબમાં નાણા ઉડાડી દેનાર કુંકાવાવનો શખ્સ હાથવેંતમાં

ઓનલાઈન ટ્રાન્સફર કરતી વખતે ખાતા નંબરના આંકડામાં થયેલી એક નાનકડી ભૂલના કારણે રાજકોટના એક વેપારીને પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. વેપારીના કર્મચારીની ભુલથી બીજાના ખાતામાં જમા થયેલી આ મોટી રકમ જે તે ખાતેદારે ઉપાડી લઇ દેણુ ચુકવવામાં વાપરી નાંખી તેમજ મુંબઇ જઇ જુગારમાં હારી જતાં ગુનો દાખલ થયો છે. પોલીસે કુંકાવાવના દેવગામના શખ્સને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. પોલીસે કાલાવડ રોડ પંડિત દિનદયાલનગર બ્લોક નં. એમ-402 ખાતે રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પલેક્ષ પાસે સ્ટાર શોપીંગ સેન્ટર શોપ નં. 9માં પહેલા માળે ઓમ શાંતિ એન્ટરપ્રાઇઝ નામે ઓફિસ ધરાવતાં રાહુલભાઇ દિનેશચંદ્ર કોઠારી (ઉ.વ.43)ની ફરિયાદ પરથી અમરેલીના કુંકાવાવ તાબેના દેવગામમાં રહેતાં અભય વીભાભાઇ શીરોડીયા વિરૂૂધ્ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી છે. રાહુલભાઇ પોતાની ઓફિસમાં એરટેલ પેમેન્ટ બેંકના સર્વિસ પ્રોઇવાઇડર તરીકે કામ કરે છે. ગત તા. 20/05/2023 ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં, ઓફિસમાં કામ કરતા કર્મચારી કિશોરભાઈ ચાવડાએ વેપારના કામ અર્થે વનઝી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ ના અકાઉન્ટમાં કોટક બેન્કમાંથી પાંચ લાખના કુલ 3 આર.ટી.જી.એસ. મારફતે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.પણ ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ખાતા નંબરના છેલ્લા આંકડામાં ભૂલ થઈ ગઈ હતી.જેના કારણે આ પાંચ લાખ રૂૂપિયાની મોટી રકમ મુળ અકાઉન્ટના બદલે અન્ય અભય ફેશન નામની પેઢીના એક બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.બીજી તરફ જે વેપારીને નાણાં મોકલવાના હતા તેમને રકમ ન મળતા તેઓએ રાહુલભાઈની ઓફિસનો સંપર્ક કર્યો હતો. આથી રાહુલભાઈએ તાત્કાલિક કોટક બેન્કમાં જઈને તપાસ કરાવી હતી અને બેન્ક પાસે સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું.બેન્ક સ્ટેટમેન્ટની તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, આ પાંચ લાખ રૂૂપિયા ભુલથી અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામના વતની અને હાલ 26 વર્ષની ઉંમર ધરાવતા અભયભાઈ વભાભાઈ શીરોડીયા નામના શખ્સના ખાતામાં જમા થઈ ગયા છે. આથી રાહુલભાઈએ તુરંત જ અભયભાઈનો સંપર્ક સાધ્યો હતો. શરૂૂઆતમાં અભયે ફોન પર સ્વીકાર્યું હતું કે હા ભૂલથી તમારા પાંચ લાખ મારા ખાતામાં આવી ગયા છે. પરંતું તે હાલ વપરાઈ ગયા હોવાથી તે ટૂંક સમયમાં ગમે તેમ કરીને કટકે કટકે આ નાણાં પરત ચૂકવી આપશે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો. પરંતુ આ રીતે એક મહિનો વીતી જવા છતાં અને રાહુલભાઈ દ્વારા અવારનવાર ઉઘરાણી કરવા છતાં અભયે એક પણ રૂૂપિયો પરત આપ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં રાહુલભાઈની ફરિયાદ પરથી આરોપી અભયભાઈ વભાભાઈ શીરોડીયાને ઝડપી લીધો હતો.અભયે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે તેના માથે મોટું આર્થિક દેવું થઈ ગયું હતું. તેણે છેલ્લા ત્રણેક વર્ષમાં પોતાના મિત્રો અને અન્ય લોકો પાસેથી કટકે-કટકે મોટી રકમ ઉછીની લીધી હતી, જે ચૂકવવા માટે તેના પર દબાણ હતું. આ દરમિયાન અચાનક તેના ખાતામાં રૂૂપિયા 5 લાખ આવી જતાં તેની દાનત બગડી હતી.બાકી વધેલી રકમ લઈને તે મુંબઈ ચાલ્યો ગયો હતો,જ્યાં મુંબઈની ક્લબોમાં તે આ તમામ રૂૂપિયા જુગારમાં હારી ગયો હતો. એ ડિવિઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. કરણભાઇ વિરસોડીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ