Jai Hind

રાજકોટમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકા સહીત હાર્ટએટેકથી બેના મોત

આધેડ અને પ્રૌઢને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા ચંદ્રકાંતભાઇ રમણીકભાઇ ઠેસીયા (ઉ.વ.54)નામના પ્રૌઢ રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં અક્ષર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા તેના મોટાભાઇ સંજયભાઇના ઘરે આવ્યા હતા. દરમિયાન આજે સવારે તેઓ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નીપજ્યુ હતું. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ અને ખેતી કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકોટમાં રહેતા ભત્રીજાની સગાઇ હોવાથી તેઓ ભાઇના ઘરે આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા સગાઇ હતી અને બાદમાં અઠવાડિયા બાદ ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ અહી રોકાઇ ગયા હતા. દરમિયાન આજે સવારે હાર્ટએટેક આવી જતા તેમનુ મોત નીપજ્યુ હતું. આ બનાવને પગલે લગ્નનો પ્રસંગ ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સદર વિસ્તારોમાં આવેલા ઠક્કરબાપાનગરમાં રહેતા રાજુભાઈ નાથાભાઈ પરમાર નામના 70 વર્ષના વૃદ્ધ સવારના આઠેક વાગ્યાના અરસામા પારેવડી ચોક પાસે બેઠા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજુભાઈ પરમાર વાલ્મીકિ સમાજના આગેવાન હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.