Jai Hind

નળજોડાણ કે વેરાબીલમાં નામ ટ્રાન્સફર માટે RMC રૂબરૂ જવુ નહીં પડે, ઓનલાઇન સુવિધા

જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઇન અરજી કરી શકાશે વેરીફિકેશન બાદ ફી ભરી જવા અરજદારને મળશે મેસેજ

રાજકોટમાં મિલકતધારકને નવુ નળજોડાણ લેવુ હોય કે પછી મિલકત ટેક્સમાં નામ ટ્રાન્સફરની અરજી કરવી હોય એટલે મનપાની કચેરીમાં ધક્કા ખાવા પડે છે. લાંબી લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. આ હેરાનગતિમાંથી મુક્તિ મળે તેવી વધુ એક હાઇટેક સુવિધા મનપા આપવા જઇ રહી છે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી ઓનલાઇન કરી શકાશે.
આસામીએ નળ જોડાણ લેવાનું હોય ત્યારે મિલ્કત દસ્તાવેજ, પ્રોપર્ટી ટેકસ બીલ સહિતના ઘણા કાગળો સાથેની અરજી કરવાની હોય છે. વોર્ડ ઓફિસથી માંડી ઘણી વખત ઝોન ઓફિસ સુધી અરજી લઇને જવું પડે છે.
આ રીતે ઘણી વખત આસામીને સમયના બગાડથી માંડીને ધકકાનો પણ અનુભવ થાય છે. આથી હવે અન્ય ઘણી સેવાઓની જેમ નળ જોડાણની અરજી પણ ઓનલાઇન થઇ જાય તેવી વ્યવસ્થા દાખલ થશે. અરજદાર તમામ ડોકયુમેન્ટ અપલોડ કરી શકશે. બાદમાં વોટર વર્કસના લાગુ વિભાગો વચ્ચે સંકલન થાય અને ચકાસણીમાં બધા કાગળો ઓકે લાગે એટલે અરજદારને નળ જોડાણ ફી ભરવા જાણ કરી દેવામાં આવશે.
આ સિવાય મિલ્કતોમાં નામ ટ્રાન્સફરની અરજી પણ ઓનલાઇન થઇ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ મનપા કચેરીએ ધકકાના કારણે મિલ્કત વેરા બિલમાં નામ ટ્રાન્સફરની અરજી કરવા નવા માલિક મહિનાઓ સુધી જતા નથી. હજારો મિલ્કતમાં હજુ જુના આસામી અથવા બિલ્ડરના જ નામ બોલી રહ્યા છે. જોકે કોર્પો.ને મિલ્કત નંબર અને બાકી વેરા સાથે જ સંબંધ હોય છે. પરંતુ આસામીને પોતાના નામનું ટેકસ બીલ હોય તો ડોકયુમેન્ટ મહત્વનો બને છે. આ સંજોગોમાં નામ ટ્રાન્સફર પ્રક્રિયાની અરજી પણ ઓનલાઇન થઇ જાય તેવી વ્યવસ્થા ટુંક સમયમાં આવવાની શકયતા અધિકારીઓએ વ્યકત કરી છે.