Jai Hind

જસદણમાં ધો.5ની છાત્રાના મૃત્યુ કેસમાં કોચિંગ ક્લાસના બે સંચાલકના જામીન નામંજૂર

10 વર્ષની બાળાનું તાવ-અછબડાથી મોત થતા બંધુ સામે બેદરકારીની ફરિયાદ થઈ’તી

જસદણમાં આલ્ફા કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહી ધો. પાંચમાં અભ્યાસ કરતી માસુમ બાળકીનું બિમારી સબબ મૃત્યુના મામલે બેદરકારી દાખવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીઓની જામીન અરજી ફગાવી દેવાઇ છે. આ અંગેની હકીકત મુજબ, જસદણની ચિતલીયા કુવા રોડ પર આવેલી આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર (હોસ્ટેલ)માં રહેતી અને મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની અને ધોરણ-5 માં અભ્યાસ કરતી 10 વર્ષની માસૂમ બાળકી આયુષી રમેશભાઈ બલદાણીયાનું તાવ અને અછબડાની બીમારી બાદ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. જેથી બાળકીના પરીવારજનોએ સંચાલકો સામે આક્ષેપો કરતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી બાળકીના પિતાની ફરીયાદ ફરિયાદના આધારે આલ્ફા કોચિંગ સેન્ટરના સંચાલકો જયસુખભાઈ શંખારવા અને હિરેનભાઈ શંખારવા વિરુદ્ધ બેદરકારી સહીતનો ગુનો નોંધી બન્ને આરોપીઓની અટકયત કરી તેની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ બંને સ્કુલ સંચાલક બંધુએ રેગ્યુલર જામીન ઉપર છૂટવા રાજકોટ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલની દલીલો માન્ય રાખી અદાલતે બન્ને આરાપીઓની જામીન અરજી ફગાવી હતી. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા અને મદદનીશ સરકારી વકીલ પરાગ શાહ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન સરકારી તંત્ર દ્વારા પણ આલ્ફા કોચિંગ ક્લાસની જસદણ અને રાજકોટની બંને બ્રાન્ચની કાયદેસરતાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે બાળકો અને બિલ્ડિંગની સેફ્ટીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આલ્ફા કોચિંગ ક્લાસ સામે ચારે તરફથી તપાસ થતા મોટી કાર્યવાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.