રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવાની માંગ સાથે ખંભાળિયામાં બાર એસો.નું આવેદન

વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવાની માગ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉઠી છે. ત્યારે ખંભાળિયામાં બાર એસોસીએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ગુજરાત હાઇકોર્ટની બેંચ મળવા માટે રાજકોટ બાર એસોસિએશનની આગેવાનીમાં ગત તા. 25 જુલાઈના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશનની રાજકોટ ખાતે યોજાઈ ગયેલી મીટીંગ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લા તથા તાલુકા કક્ષાએથી બાર એસોસિએશનના પ્રમુખ તથા સેક્રેટરીઓ તેમજ સિનિયર એડવોકેટની ઉપસ્થિતિમાં સર્વાનુમતે થયેલા ઠરાવ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા બુધવારે અરજન્ટ કાર્યવાહી સિવાયની કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહ્યા હતા અને રાજકોટ – સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેંચ મળે તે માટે ભવિષ્યમાં થનાર તમામ કાર્યક્રમોને સર્વાનુમતે ટેકો આપી, રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયાના પ્રાંત અધિકારીને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના વડપણ હેઠળ પ્રમુખ સંજયભાઈ જે. જોશી તેમજ અન્ય ધારાશાસ્ત્રીઓ દ્વારા લેખિત આવેદનપત્ર આપી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી તકરારોમાં 40 ટકા જેટલા લીટીગેશન (તકરારો) સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવે છે. આ મેટર જો રાજકોટ હાઇકોર્ટ બેંચને આપવામાં આવે તો આ 40 ટકા તકરારો, લીટીગેશન રાજકોટ બેંચને મળે અને ગુજરાત હાઇકોર્ટનું ભારણ તેમજ કેસોની પેન્ડન્સી ઘટે. પરિણામે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તેમ છે.

સમયનો થાય છે વ્યય
હાલ અમદાવાદ સુધી ગુજરાત હાઇકોર્ટમાં આવવા જવા માટે ખૂબ લાંબી મુસાફરી અને ટ્રાફિકનો સામનો લોકો કરી રહ્યા છે. અને જો ફરી મુદત પડે તો ફરીથી તેમને ન્યાય મેળવવા માટે નાણા અને સમયનો વ્યય થાય છે. રાજકોટએ સૌરાષ્ટ્રમાં કચ્છનું સેન્ટર પોઇન્ટ છે. ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત હતી. ગુજરાત સિવાયના અન્ય રાજ્યમાં પણ હાઇકોર્ટની બે થી ચાર બેંચો ફાળવીને લોકોને ઝડપી ન્યાય મળે તે રીતે કાર્યરત છે.

રિલેટેડ ન્યૂઝ