કારખાનામાં કરેલી 6 દિવસની મજૂરીના રૂપિયા માંગતા ગટરમાં ફેંકી દેવાની ધમકી આપ્યાનો આરોપ
શહેરમાં કોઠારિયા રોડ પર આવેલા સ્વાતી પાર્કમાં રહેતા શ્રમિકે છ દિવસની મજૂરીના રૂપિયા 1800ની ઉઘરાણી કરતા કારખાને દારે મજૂરીના રૂપિયા આપવાના બદલે ગટરમાં ફેંકી દેવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા સ્વાતી પાર્કમાં રહેતા અરવિંદ રામકુમાર યાદવ નામનો 19 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ યાદવ બે ભાઇ બે બહેનમાં મોટો અને અપરિણીત છે. અરવિંદ યાદવ છ દિવસ સુધી કારખાનામાં કામે ગયો હતો. જેના રૂપિયા 1800 શેઠ પાસે માંગતા શેઠે રૂપિયાના બદલે ગટરમાં ફેંકી દેવાની ધમકી આપતા અરવિંદ યાદવને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
