રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ પરિણીતાનું મોત : તબીબી બેદરકારીનો આરોપ

વિડિયો કોલથી ઓપરેશન કર્યાના પરિવારના આક્ષેપ બાદ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવાયું

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા એક રઘુવંશી પરિવારમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ સર્જાયેલી ગોઝારી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. કરણપરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 47 વર્ષીય મહિલાનું ગર્ભાશયનું ઓપરેશન થયા બાદ તબિયત અચાનક લથડી હતી. દર્દીને તાત્કાલિક વિદ્યાનગર રોડ પરની અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ અવસાન થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોએ ઓપરેશન કરનાર મહિલા તબીબ પર ભયંકર બેદરકારીનો આક્ષેપ કરી ન્યાયની માગણી કરી છે, જેને લઈને પોલીસે સમગ્ર મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરના પેસિફિક સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા ડીમ્પલબેન ધર્મેન્દ્રભાઈ પોબારૂૂ (ઉ.વ. 47)ને ગર્ભાશયની તકલીફ હોવાથી એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલી બાલાજી હોસ્પિટલના ડો. કવિતાબેન લાડાણી પાસે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તપાસ બાદ ઓપરેશન માટે રૂૂા. 70,000 ની ફી નક્કી કરવામાં આવી હતી અને ગત 28 જુલાઈએ ઓપરેશનની તારીખ નક્કી કરાઈ હતી. નિર્ધારિત સમયે ડીમ્પલબેનને બાલાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને બેભાન કરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન પૂર્ણ થયાના આશરે બાવીસ કલાક વીતી જવા છતાં તેઓ હોશમાં આવ્યા નહોતા. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર્દીની તબિયત વધુ બગડી છે અને તેમને લોહીનું ગંઠાણ થવાને કારણે વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવા પડશે. પરિવારજનો દ્વારા ડીમ્પલબેનને 29 જુલાઈના રોજ સવારે ઓલમ્પસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં નિદાન દરમિયાન જાણ થઈ હતી કે તેમના ફેફસાની નળીમાં લોહીનું ગંઠાઈ ગયું છે.
આ ગંભીર સ્થિતિમાં ઓલમ્પસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રિના સવા અગિયાર વાગ્યાના અરસામાં ડીમ્પલબેનનું કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ હોસ્પિટલ દ્વારા એ-ડિવીઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા એ.એસ.આઈ. રાણાભાઈ કુગશીયાએ કાગળોની જરૂૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.મૃતકના ભત્રીજા શિવાંગભાઈ અને પુત્ર યશેષે આક્ષેપ કર્યો હતો કે બાલાજી હોસ્પિટલના મહિલા તબીબની સ્પષ્ટ બેદરકારીને કારણે જ તેમના સ્વજનનો ભોગ લેવાયો છે.હાલ તો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનો દ્વારા કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ