ગોંડલના કોલીથડમાં પ્રેમીએ તરછોડી દેતા યુવતિનો ઝેરી દવા પી આપઘાત

પ્રેમ સંબંધની જાણ થતા પિતાએ યુવતિને પ્રેમીના ઘરે મોકલી દીધી, પ્રેમીએ પરત મોકલતા ભરેલું પગલું

ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમમાં આવેલી મનીષભાઈની વાડીએ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. પ્રેમપ્રકરણની જાણ પિતાને થતાં તેમણે યુવતીને પ્રેમીના ઘરે મોકલી આપી હતી, પરંતુ ત્યાંથી પરત મોકલાતાં ’હવે યુવક તેને નહીં અપનાવે’ તેવા ડર અને આઘાતમાં આવી જઈ યુવતીએ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ ગરબાડા દાહોદના વતની અને છેલ્લા પાંચ વર્ષ થી ગોંડલના કોલીથડ ગામે મનીષભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતાં વિજયભાઈ ભાગોરની 20 વર્ષીય પુત્રી હંસાબેને બપોરે 2:00 વાગ્યાના અરસામાં વાડીએ હતાં ત્યારે તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારે તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, હંસાબેનને તેમના જ ગામના એક યુવક સાથે પ્રેમસંબધ હતો. આ બાબતની જાણ પિતાને થતાં તેમણે દીકરીને તે યુવકના ઘરે મોકલી આપી હતી. પરંતુ યુવકના પરિવારજનોએ હંસાબેનને સમજાવીને આશરે બે કલાક પછી પરત ઘરે મોકલી દીધી હતી. યુવકના ઘરેથી પરત આવ્યા બાદ ’હવે પ્રેમી તેને પાછી નહીં લઈ જાય’ તેવો ડર હંસાબેનને સતત સતાવી રહ્યો હતો. આ બાબતે મનમાં આઘાત લાગી આવતાં તેમણે વાડીએ જઈને આ જીવનલીલા સંકેલી લીધી હતી. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે તાલુકા પોલીસ નાં ધર્મેન્દ્રસિંહ જાડેજા એ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ