TRP અગ્નિકાંડમાં બે TPO સામેના બરતરફને હાઇકોર્ટનો સ્ટે: 7મી ઓગસ્ટે વધુ સુનાવણી

બંને કર્મચારીઓને ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્શન હેઠળ ગણી મળવા પાત્ર નિર્વાહ ભથ્થા સાથે નોકરીમાં ચાલુ રાખવા હુકમ

દેશભરમાં ચકચારી રાજકોટના ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાના જવાબદારો સંદર્ભે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગ અને બેદરકારી અંતર્ગત ખાતાકીય તપાસ બાદ બરતરફ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ વિભાગના બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણા બરતરફીની શિક્ષાત્મક કાર્યવાહી સામે હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે બંનેની બરતરફીનો હુકમ સ્ટે કરી મહાપાલિકાને નોટિસ પાઠવી તારીખ 7 મી ઓગષ્ટે સુનાવણી રાખી છે.
રાજકોટમાં 32 થી વધુ બાળકો સહિતના લોકોનો ભોગ લેનારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સંચાલકો, મહાપાલિકાના ચી ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિતના અધિકારીઓ વગેરે 15 સામે ગુનો દાખલ કરી કેસ ચલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન દેશભરમાં ભારે ચકચાર જગાવનારી ગંભીર કરુણાંતીકા
સંદર્ભે તંત્રની ગંભીર ગુનાહિત બેદરકારીનું સંજ્ઞાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન દાખલ થઈ હતી. જેની સુનાવણી દરમિયાન બેથી વધુ વખત મહાનગરપાલિકાએ આ બાબતમાં કડક પગલાં લીધા એ બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. દરમિયાન મહાનગરપાલિકા તંત્ર દ્વારા સુઓ મોટો અરજીની ગઇ તા. 10 જૂલાઇએ સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં રાજકોટ મહાનગરપાલિકા વતી ઉપસ્થિત રહેલા અધિકારીએ કર્મચારીઓ સામે પગલાનું રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં લાંબી ખાતાકીય પ્રક્રિયાના અંતે, રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા તારીખ 8 જુલાઈ 2026ના રોજ એક કડક આદેશ પારિત કરી પાંચ અધિકારીઓને બરતરફ એટલે કે ડિસમિસ કરવા ઉપરાંત ચીફ ટાઉન પ્લાનર સામે કડક પગલાં લેવામાં આવ્યાના મતલબનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે પૈકી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરો મુકેશ મકવાણાને નોકરીમાંથી બરતરફ (ઉશતળશતત) કરવામાં આવ્યા હતા અને રાજેશ મકવાણાને નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી હતી. આ નિર્ણયથી બંને અધિકારીઓની કારકિદી પર મોટો પ્રશ્નાર્થ લાગી ગયો હતો. મ્યુનિસિપલ કોપોરેશનના આ અત્યંત આકરા નિર્ણય સામે બંને બરતરફ કરાયેલા અધિકારીઓએ ગોગીયા એન્ડ ગોગીયા એડવોકેટ મારફત ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની સામે જે ખાતાકીય તપાસ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખામીયુકત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ અને એક તરફી કાર્યવાહી કરવામાં આવી હોવાના મતલબની રજૂઆતો કરી હતી.
સુનાવણી દરમિયાન અરજદારો વતી કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બીજી શો-કોઝ નોટિસ આપતી વખતે અને અંતિમ બરતરફીનો આદેશ કરતા પહેલાં તપાસ રિપોર્ટ ન આપીને કોર્પોરેશને સ્પષ્ટ રીતે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કર્યા છે, જે આ હુકમને કાયદાની દૃષ્ટિએ રદબાતલ ઠેરવવા માટે પૂરતો આધાર છે.
તેમાં જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ અને કેસના તમામ રેકોર્ડની ઝીણવટભરી તપાસ કર્યા બાદ નોંધ્યું હતું કે અરજદારોની રજૂઆતમાં પ્રથમદર્શી રીતે તથ્ય રહેલું છે. કોર્ટે એ બાબતની ગંભીર નોંધ લીધી કે અરજદારોને ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વિના જ તેમની બરતરફી અને રૂખસદીનો હુકમ કરવામાં આવ્યો છે, આ હકીકતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તારણ કાઢ્યું કે આ સમગ્ર મામલો ઊંડી તપાસ અને વધુ સુનાવણી માંગી લે છે તેમ ઠરાવી
ગુજરાત હાઈકોર્ટે તારીખ 27 જુલાઈ 2026ના રોજ પોતાનો વચગાળાનો મહત્વપૂર્ણ આદેશ સંભળાવ્યો હતો. તેમાં કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 8 જુલાઈ 2026ના રોજ કરાયેલા બરતરફી અને રૂખસદીના બંને હુકમો પર તાત્કાલિક અસરથી અંતિમ સુનાવણી સુધી સ્ટે (મનાઈહુકમ) ફરમાવી કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે જયાં સુધી આ કેસની અંતિમ સુનાવણી પૂર્ણ ન થાય અને કોઈ આખરી નિર્ણય ન આવે, ત્યાં સુધી આ બંને કર્મચારીઓને ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્શન (નિલંબન) હેઠળ ગણવા અને મળવા પાત્ર નિર્વાહ ભથ્થા સાથે નોકરીમાં ચાલુ રાખવા હુકમ કરેલ છે. કોર્ટે આ મામલે કોર્પોરેશનને નોટિસ ઇશ્યૂ કરીને આગામી તારીખ 7 ઓગસ્ટ 2026ના રોજ વધુ સુનાવણી મુકરર કરી છે. આ કેસમાં અરજદારો વતી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ્સ આનંદ બી. ગોગીયા, મુસ્કાન એ. ગોગીયા, કાજલ એલ. કલવાણી, ગૌરવ એ. ગોગીયા તથા સંજના જી. ગોગીયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ