બાઇકને આંતરી લુંટની ઘટનાને અંજામ આપનાર પાંચેય શખ્સો ઝડપાયા
મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર જીલ્લાના મમના ગામના વતની અને હાલ સહજાનંદ સોસાયટી, મેટોડા ખાતે રહેતા અને કાપડની દુકાન ચલાવતા યોગેન્દ્રભાઈ ઘનશ્ર્યામભાઈ પાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 29/07/2026 ના રોજ બુધવારનો દિવસ હતો અને તે દિવસે રજા હોવાના કારણે તેમના ઘરે મહેમાનો આવ્યા હતા. રાત્રિના ભોજન બાદ યોગેન્દ્રભાઈ તેમના માસીના દીકરા મેટોડાની એક કંપનીમાં નોકરી કરતા કોમલ પ્રકાશભાઈ પાલ અને કરીયાણાની દુકાન ચલાવતા પિતરાઈ ભાઈ રાઘવેન્દ્ર મોહનલાલ પાલ ત્રણેય જણા રાઘવેન્દ્રના મોટરસાઇકલ નંબર જીજે 03 એચ.જે 4682 પર બેસીને રાઘવેન્દ્રના ઘરે સુવા માટે જઈ રહ્યા હતા. રાત્રિના અંદાજે અગિયારેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ શ્રીનાથજી સોસાયટીમાં પાંડેજીની ઓફીસની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ ઉપર અંધારામાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા બે શખ્સોએ અચાનક તેમનું મોટરસાઇકલ બળજબરીપૂર્વક ઊભું રખાવ્યું હતું. ત્રણેય કઈ સમજે તે પૂર્વે કારણ વિના આ બંને શખ્સોએ રસ્તા વચ્ચે જ યોગેન્દ્ર પાલ અને તેમના બન્ને ભાઈઓને અટકાવ્યા હતા. આ દરમિયાન નજીકમાં જ છુપાઈને બેઠેલા અન્ય શખ્સો ત્યાં આવ્યા હતા આમ કુલ પાંચ શખ્સોએ યોગેન્દ્ર અને તેના બન્ને ભાઈઓ ઉપર હુમલો કરી દીધો હતો. અને જે કઈ પણ રકમ ખિસ્સામાં હોય તે આપી દેવા ધમકી આપી હતી.
ત્રણેય ભાઈઓએ પાંચ શખ્સોનો પ્રતિકાર કરતા એક શખ્સે એક કાચની બોટલ કાઢીને સીધી જ ફરિયાદી યોગેન્દ્રભાઈના માથાના ભાગે ફટકારી દીધી હતી, જેના લીધે કાચની બોટલ તૂટી ગઈ હતી. આ તૂટેલી કાચની બોટલના ઘાથી ફરિયાદીના કુટુંબીક ભાઈ રાઘવેન્દ્રને પણ જમણા હાથના કાંડાના ભાગે ગંભીર છરકો અને ઈજા પહોંચી હતી. આટલું જ નહીં, યોગેન્દ્રનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના પાકીટમાંથી રૂ. 2750 ની રોકડ રકમ બળજબરીપૂર્વક લુંટી લીધી હતી. જ્યારે પિતરાઈ ભાઈ રાઘવેન્દ્ર અને કોમલ પાસે રોકડ ન મળી, ત્યારે ટોળકીએ બેલ્ટ કાઢીને ત્રણેય યુવકો પર બેરહેમીપૂર્વક મારપીટ કરી હતી.
બૂમાબૂમ અને રાડારાડી થવાથી કોમલ પાલ થોડે દૂરથી ભાગીને સીધો યોગેન્દ્રભાઈના ઘરે પહોંચ્યો હતો અને પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ યોગેન્દ્રભાઈના પિતા ઘનશ્ર્યામભાઈ, માતા સુનીતાબેન, બહેન સમીક્ષા, માસી સવિતાબેન તથા ફઈની દીકરી રાધા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકોને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ગુનેગારોએ જરાય દયા દાખવ્યા વિના પરિવારની મહિલાઓ અને વડીલો સાથે પણ ધક્કામુક્કી કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ જતા અને 112 ઇમરજન્સી હેલ્પલાઈન પર ફોન કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને આ તમામ પાંચેય હુમલાખોરો ઝડપી લીધા હતા.
પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી સુનીલ થાપાને ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં અન્ય ચારના નામ ખુલ્યા હતા. જેમાં ઝડપાયેલા આરોપીમાં સુનીલ થાપા (રહે. બુધવારી બજાર પાસે, મેટોડા), સુરજ કુશવાહા (રહે.શ્રીનાથજી સોસાયટી, મેટોડા). અવિનાશ જોન દાસ (રહે. અંજલી પાર્ક, મેટોડા), શિવમ ચોરસીયા (રહે. શ્રીનાથજી સોસાયટી, મેટોડા). અને બ્રિજેશ ચૌહાણ (રહે. શ્રીનાથજી સોસાયટી, મેટોડા) હોવાનું ખુલ્યા બાદ પાંચેયને પોલીસે ઝડપી લીધા હતા.
