શખ્સે પૈસા વાપરવાની લાલચ આપી સગીરા પાસેથી ફોન લઇ છેતરપીંડી આચર્યાની ફરીયાદ
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરબાળકને રૂૂપિયા વાપરવાનીની લાલચ આપીને તેના જ પિતાના મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂૂપિયા 61,000 ની માતબર રકમ પડાવી લેવામાં આવી છે.
આ મામલે ભોગ બનનાર પિતા ગૌરીશંકર છકુભાઈ મંડલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજય રાજેશભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલમ 318(4) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે,જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા ગૌરીશંકરભાઈ ભંગાર ગાળીને પાર્ટ બનાવી વેચવાનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે, જેમાં નાનો દીકરો નિખિલ ઉંમર વર્ષ 12 છે અને ધોરણ-8 માં અભ્યાસ કરે છે. તાજેતરમાં તા. 26 જુલાઈ 2026 ના રોજ એટીએમમાંથી રૂૂપિયા ઉપાડ્યા બાદ મેસેજ આવતા ફરિયાદીને શંકા ગઈ હતી કે તેમના એચડીએફસી બેંકના ખાતામાંથી કોઈ અજાણી વ્યક્તિએ નાણાં ઉપાડી લીધા છે. તપાસ કરતા ખબર પડી કે તા. 25 થી 27 જુલાઈ દરમિયાન અલગ-અલગ તારીખે અજય પરમારના યુપીઆઈ આઈડી પર કુલ ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા રૂૂપિયા 61,000 ટ્રાન્સફર થયા હતા. જ્યારે ઘરે પૂછપરછ કરવામાં આવી ત્યારે 12 વર્ષના નિખિલે જણાવ્યું હતું કે શેરીમાં રહેતા અજયે તેને ફોન પર રૂૂપિયા નાખવા માટે કહીને વાપરવા માટે થોડા રૂૂપિયા આપવાની લાલચ આપી હતી અને તેના દ્વારા જ ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
આ સમગ્ર મામલે ભોગ બનનાર પિતાએ તાત્કાલિક આજીડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે ફરિયાદીની લેખિત ફરિયાદ સ્વીકારીને અજય રાજેશભાઈ પરમાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ટારીયાને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના આધારે પુરાવા એકત્રિત કરવાની તેમજ આરોપીની ધરપકડ કરવા માટેની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
