રાજકોટમાં પેસેન્જરના ખીસ્સામાંથી રીક્ષા ગેંગે 25 હજાર સેરવી લીધા

સીસીટીવી કેમેરાનું બેકઅપ નહીં રાખનાર સોની વેપારી વિરૂદ્ધ ફરિયાદ

રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેસાડીને નજર ચુકવી રૂ. 25,000ની રોકડ રકમની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના અસીન્દ તાલુકાના ખરેડા ગામના વતની અને ડ્રાઇવિંગનો ધંધો કરતા 26 વર્ષીય ભૈરવસિંગ ભીમસિંગ રાવતે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 22 જુલાઈએ બપોરના 3:30 વાગ્યાના સુમારે મહિન્દ્રાના શો-રૂમથી ગોંડલ ચોકડી વચ્ચેના રોડ પર આ ઘટના બની હતી. આરોપી ઓટો રિક્ષા ચાલકે પૂર્વયોજિત ગુન્હાહિત કાવતરું રચી મને પોતાની રિક્ષામાં બેસાડયો હતો. પછી રિક્ષામાં પાછળની સીટમાં પહેલાથી બેઠેલા બે અજાણ્યા ઇસમોએ મારુ ધ્યાન ભટકાવી પેન્ટના ડાબી બાજુના ખિસ્સામાં રાખેલા રૂ. 25,000 ની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ મને રિક્ષામાંથી નીચે ઉતારી ત્રણેય અજાણ્યા આરોપીઓ રિક્ષા લઈને નાસી છૂટ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોની બજારમાં સીસીટીવી કેમેરાના જાહેરનામાનો ભંગ કરવા બદલ વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ ચૌહાણ દ્વારા ફરિયાદી બની ગુનો નોંધાવવામાં આવ્યો છે, જેમાં 53 વર્ષીય લક્ષ્મણકુમાર જુગલભાઇ બેરા નામના આરોપી સામે જાહેરનામાનાં ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા અંતર્ગત વેપારીઓએ તેમની દુકાનમાં સીસીટીવી કેમેરાનું ઓછામાં ઓછું 30 દિવસનું રેકોર્ડિંગ બેકઅપ રાખવું ફરજિયાત છે. જોકે ડાયમંડ એપાર્ટમેન્ટના ત્રીજા માળે દુકાન નં-07 માં સોનીકામ કરતા આ વેપારીએ પોતાના સીસીટીવીનું 30 દિવસનું બેકઅપ નહીં રાખીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું સામે આવતા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ