ગોંડલમાં ઈલેક્ટ્રીશીયનને લૂંટેરી દુલ્હનનો ઝટકો, બે દિ’માં રૂ.3.50 લાખ લઈ ફરાર

માસીનું મોત થયું હોવાથી નાગપુર જવાના બહાને ભાગી ગઈ સુરતના કાપોદ્રાથી ગેંગ પકડાતા સમગ્ર કૌભાંડ છતુ થયું

ગોંડલ નાં કોટડા સાંગાણી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા એક યુવક સાથે ’લુંટેરી દુલ્હન’ ગેંગ દ્વારા રૂ. 3.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના માત્ર 9 દિવસ બાદ જ નવવધૂ ’માસીનું મરણ થઈ ગયું છે’ તેવું બહાનું કાઢીને સોનાના દાગીના અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. સુરત કાપોદ્રા પોલીસના હાથે આ ગેંગ ઝડપાતાં ભોપાળું છતું થયું હતું, જેના આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી રોડ સ્થિત રોયલ પાર્ક-01 માં ઠગ ગેંગ દ્વારા રૂ. 3,00,000 રોકડા અને રૂ. 50,000ના સોનાના દાગીના મળીને કુલ રૂ. 3.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.
ઈલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરતા વિમલભાઈ રમણીકભાઈ મોવલીયા (ઉં.વ. 38) ઉંમર વધી ગઈ હોવાથી લગ્ન માટે ક્ધયા શોધતા હતા. આ દરમિયાન તેમના માસિયાઈ ભાઈ મારફતે સુરતના દલાલ જયેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. દલાલ જયેશ પટેલે પોતાના ઓળખીતા રાહુલભાઈની સાળી પ્રણાલીનો ફોટો બતાવી લગ્ન કરાવવાના બદલામાં રૂ. 3 લાખની માંગણી કરી હતી.
ત્યારબાદ રાહુલ, તેની પત્ની સપનાબેન, દલાલ જયેશ પટેલ અને છોકરી પ્રણાલી ગોંડલ આવ્યા હતા અને લગ્ન નક્કી કર્યા હતા. ગત તા. 20/07/2025ના રોજ વિમલભાઈ તેમના પરિવાર સાથે સુરત ખાતે જઈ વાસદા ગામે એક મકાનમાં ફુલહાર વિધિથી લગ્ન કર્યા હતા. લગ્ન સમયે રાહુલના હાથમાં રોકડા રૂ. 3,00,000 આપ્યા હતા અને પ્રણાલીને રુ.પચાસ હજાર ની કિંમત નાં સોનાનો દાણો, કાનની બુંટી તથા સોનાનો પેન્ડલ સેટ પહેરાવ્યા હતા.
લગ્ન બાદ પ્રણાલી ગોંડલ ખાતે પતિ સાથે રહેવા આવી હતી. નવેક દિવસ બાદ તા. 29/07/2025ના રોજ ફરિયાદી વિમલભાઈ કામ અર્થે બહાર ગયો હતો ત્યારે પ્રણાલીએ ફોન કરીને જણાવ્યું કે, “મારા માસી મરણ ગયેલ છે અને તેમને નાગપુર લઈ જવાના છે, જેથી હું જાઉં છું” . યુવકે રાહ જોવાનું કહેવા છતાં તેણે ફોન કટ કરી સ્વિચ ઓફ કરી દીધો હતો. યુવકે સુરત જઈ તપાસ કરતા માસી ઘરે હાજર હતા અને આખી ગેંગ ગાયબ હતી.
છેતરપિંડી થયાની શંકા બાદ યુવક શોધખોળ કરી રહ્યો હતો. દરમિયાન ફરિયાદીની બહેને ન્યૂઝ પેપરમાં અને ઈન્સ્ટાગ્રામ પર કાપોદ્રા સુરત પોલીસ સ્ટેશનનો એક વિડીયો જોયો હતો. જેમાં આ જ ’પ્રણાલી’ અને તેનો બનેવી રાહુલ જેનું સાચું નામ હિતેશ કાપડીયા છે તે લુંટેરી દુલ્હનના ગુનામાં પકડાયેલા જોવા મળ્યા હતા. આથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ખાતરી થતાં ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે હિતેશભાઈ ઉર્ફે રાહુલભાઈ રતીલાલ કાપડીયા કાપોદ્રા શિવ નગર, ગુંજન ચોકડી, વાપી વલસાડ સપનાબેન હિતેશભાઈ ઉર્ફે રાહુલભાઈ કાપડીયાકાપોદ્રા સુરત, જયેશભાઈ પટેલ દલાલ ગામ-વાસદા, જી. સુરત, દુલ્હન પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણેશભાઈ નાગપુર વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ