બાર એસો. અને લીગલ સેલ દ્વારા જુદી જુદી રજુઆત કરતા વકિલો વચ્ચે ચલાતો ગજગ્રાહ સામે આવ્યો
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચની વર્ષોની માંગણી મુદ્દે ફરી રાજકોટ બાર એસો.એ ચળવળના મંડાણ માડ્યા હોય તેમ થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાવકિલો દ્વારા એક દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યુ હતું અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તમામ જિલ્લા – તાલુકા મથકે વકિલ મંડળો દ્વારા કલેક્ટર, ડે.કલેક્ટર અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જે આવેદન પત્ર પાઠવ્યા બાદ રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમીત વોરા દ્વારા ભાજપે ચૂંટણી ઢંઢેરામાં હાઇકોર્ટ બેંચને લઇને જે વચન આપવામાં આવ્યુ હતુ. તેનુ પાલન ભાજપ સરકાર દ્વારા થતુ ન હોય આ મુદ્દે પ્રજાને સાથી રાખી આંદોલન કરવાની ચેતવણી આપી હતી.
જે નિવેદન સામે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને પ્રમુખ દ્વારા આપવામાં આવેલ નિવેદનને વખોડી કાઢવામાં આવ્યુ હતું. ભાજપ પ્રેરીત વકિલોમાં તડા પડ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ પ્રેમી વકિલોના બંન્ને જૂથ આમને સામને ચૂંટણી મેદાનમાં ઝંપાલાવી રહ્યા છે. ભાજપ પ્રેરીત વકિલોમાં ચાલતો જૂથવાદ ચૂંટણી સમયે જોવા મળે છે. પરંતુ હવે હાઇકોર્ટની બેંચનો જશ ખાટવા પણ ભાજપ પ્રેરીત વકિલોમાં ભાગલા પડ્યા હોય તેમ ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીને સંયુકત રીતે દબાણ લાવવાના બદલે બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા અલગ અલગ રજૂઆત કરવામાં આવી હતી.
