ઓફિસરો સીલ મારવા પહોંચતા કંપનીના અધિકારીઓ સ્ટે મેળવવા કોર્ટમાં પહોંચ્યા
રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલ શિતલ પાર્ક પાસે એક ખાનગી વિમા કંપનીની મિલ્કતો સીલ કરવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે હુકમ કરતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આજે બપોરે અઢી વાગ્યે ગ્રાહક કોર્ટના હુકમ મુજબ સરકારી કાફલો ખાનગી વિમા કંપનીની ઓફિસને સીલ મારવા પહોંચતાં વિમા કંપનીના અધિકારીઓ સ્ટે મેળવવા માટે કોર્ટમાં દોડી ગયા હતાં અને જબરો તમાસો સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાજકોટના ભાવેશભાઈ ચિમનભાઈ ભંડેરી નામના ઉદ્યોગપતિને યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ કંપની લી.મી.પાસેથી વિમા પેટે રૂા.2.89 કરોડની રકમ લેવાની થતી હોય આ મામલો ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ પહોંચ્યો હતો તે દરમિયાન આજે ગ્રાહક તકરાર નિવારણ આયોગે અરજદારના રૂા.2.25 કરોડ મુદલ તેમજ રૂા.84 લાખ વ્યાજ અને ખર્ચ પેટે 10 હજાર મળી કુલ રૂા.2.89 કરોડની વસુલાત માટે ઈસ્યોરન્સ કંપનીની સ્થાવર મિલકતો સીલ કરવાનો હુકમ કરતાં આજે સરકારી કાફલો શિતલ પાર્ક પાસે આવેલ વીમા કંપનીની ઓફિસ સીલ કરવા પહોંચ્યો હતો. જો કે વીમા કંપનીના અધિકારીઓએ સમય માંગી કોર્ટમાં સ્ટેની માંગણી કરી હતી અને છેલ્લી ઘડી સુધી સીલીંગની પ્રક્રિયા અટકાવવા પ્રયાસો કર્યા હતાં. આ કાર્યવાહી દરમિયાન ભારે તપાસો સર્જાયો હતો. ગ્રાહકની તરફેણમાં ગ્રાહક સુરક્ષા આયોગે કરેલા હુકમથી વીમા કંપનીઓના અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
