ખેતરમાં વીજપોલના વળતર મામલે સરકારી ઠરાવનો બહિષ્કાર, રાજકોટ કલેકટર કચેરીએ ખેડૂતોની કૂચ

ખેડૂતોને માર્કેટ ભાવનું 4 ગણુ વળતર, માસિક 50 હજાર ભાડુ અથવા પોલદીઠ રૂ.બે કરોડ આપવાની માગણી

ખેતરમાંથી વીજપોલ કાઢવા માટે સરકારી વળતર સામે ગામોગામ ખેડૂતોનો વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. વળતરના મુદ્દે રાજકોટ જીલ્લા સહિત રાજયભરના ખેડૂતોમાં વિરોધ સાથે ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. આ પ્રકરણમાં સરકારી ઠરાવનો પણ બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે વિશાળ સંખ્યામાં ખેડૂતોએ ઉમટી પડી 32 જેટલા ગામોના ઠરાવ સાથે આ મુદ્દે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી.
આ બાબતે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના ક્ધવીનર ડાયાભાઈ ગજેરા તેમજ શહેર કોંગ્રેસના પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા અને પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા આડેધડ વીજપોલ નાખવામાં આવી રહ્યા છે. આ અંગેનો સરકારી ઠરાવ ખેડૂતોને નુકશાનકર્તા હોય તેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરી દેવામાં આવેલ છે. રાજય સરકાર તા.4/7/ 2026ના પરિપત્રના નામે ખેડૂતોના ખભે બંદૂક રાખી ફોડવાનો પ્રયાસ કરી રહી છે. તે ચલાવી લેવાશે નહીં. રાજય સરકારના આ પરિપત્ર ઠરાવનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ છે. ખેડૂતોને આ પરિપત્ર હરગીજ માન્ય નથી જેથી પરિપત્ર મુજબ જેએમઆરસી કમીટી બનાવવા માટે ગામડે ગામડે અધિકારીઓ, સરપંચો અને ખેડૂતો પાસે આવી અને આ કમીટી માટે ખેડૂતોના પ્રતિનિધિ આપવા દબાણ કરવામાં આવે છે. જે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી હતી.
વધુમાં આ આગેવાનોએ એવું પણ જણાવ્યું હતું કે એમઆરસી કમીટીના નામે ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. જે યોગ્ય નથી. ખેડૂતોની જમીનની કિંમત ખેડૂતો જ નકકી કરે સરકારે નિમેલ કંપનીઓના એજન્ટ (વેલ્યુઅર) નહીં તેવું આગેવાનોએ સ્પષ્ટપણે જણાવી ઉમેયુર્ં હતું કે વીજપોલ માટે ખેડૂતોને માર્કેટ ભાવનાં ચાર ગણુ વળતર જમીનનું આપવામાં આવે અથવા વીજપોલનું 50 હજાર માસીક ભાડુ આપવામાં આવે અથવા વીજપોલ દીઠ 2 કરોડની રકમ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દેખીતો ભેદભાવ શા માટે રાખવામાં આવે છે? તેવો પ્રશ્ર્ન ઉઠાવી વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકારે પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે ગ્રામીણ વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને મહાનગર પાલિકા વિસ્તાર એમ ત્રણેય વિસ્તારો માટે વેલ્યુઅર જમીનની કિંમત નકકી કરશે. મતલબ ગ્રામીણ, નગર કે શહેર તમામ ક્ષેત્રમાં જે બજાર કિંમત હશે એ જ નકકી થશે. ગામડામાં ભાવ ઓછો હશે ત્યાં ઓછો નકકી થશે જયારે શહેરોમાં જમીનનો ભાવ વધારે હશે ત્યાં વધારે નકકી થશે. આવો ભેદભાવ શા માટે? ખેડૂતોના આ પ્રશ્ર્નો અને માંગણી અંગે તત્કાલ પગલા લેવામાં આવે તેમ જણાવી ખેડૂતોએ કલેકટર કચેરીમાં સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધુ હતું.

રિલેટેડ ન્યૂઝ