રાજકોટના લોકમેળા માટે 228 પૈકી 130 પ્લોટની ડ્રોથી ફાળવણી, આજે વુધ 45 પ્લોટનો ડ્રો કરાશે

બી કેટેગરીના રમકડાના 100 સ્ટોલ માટે માત્ર 95 ફોર્મ આવતા તમામને સીધુ જ એલોટમેન્ટ કરી દેવાયુ

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર લોકમેળાના 228 પૈકીના 130 સ્ટોલ-પ્લોટની ડ્રો દ્વારા ફાળવણી આજે શહેરની જુની કલેકટર કચેરીમાં સીટીપ્રાંત-1ની કચેરી ખાતે ડ્રો મારફતે ફાળવણી કરી દેવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ સીટી પ્રાંત-1 અધિકારી ઝાંપડા દ્વારા યોજવામાં આવેલા આ ડ્રોમાં વેપારીઓ ઉમટી પડયા હતાં. અહીં એ ઉલ્લેખનીય છે કે લોકમેળાના રમકડાના 100 પ્લોટ માટે આ વખતે વેપારીઓએ નિરૂત્સાહ બતાવી માત્ર 95 ફોર્મ સબમીટ કરાવતા આ તમામ વેપારીઓને પ્લોટનું એલોટમેન્ટ મળી ગયેલ હતું.
ઈન્ચાર્જ પ્રાંત-1 અધિકારી ઝાંપડા અને રેવન્યુ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડ્રો દ્વારા પારદર્શક વાતાવરણમાં વેપારીઓને આ સ્ટોલ-પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ‘કે’ કેટેગરી નાની ચકરડીના 24 ‘જે’ કેટેગરીના મધ્યમ ચકરડીના 3 ‘સી’ કેટેગરી ખાણીપીણી સ્ટોલના 8 અને ‘બી’ કેટેગરી રમકડાના 95 વેપારીઓને સ્ટોલ-પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી.રમકડાના અન્ય પ પ્લોટ માટે કોઈ લેવાલ મળ્યુ ન હતું.
રમકડાંના સ્ટોલનું ભાડું 45000, નાની ખાણીપીણીના 45000, મધ્યમ ચકરડીના 28000 અને નાની ચકરડીની અપસેટ પ્રાઈઝ 17000 નક્કી કરવામાં આવી છે. મેળામાં પ્લોટ કે સ્ટોલ મેળવવા માટે દર વર્ષે ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે પણ 534 અરજીઓ વચ્ચે તંત્ર દ્વારા ’કમ્પ્યુટરાઇઝડ/પારદર્શક ડ્રો’ પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
સ્ટોલના ડ્રો સાથે જ હવે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાનું મંડપારોપણ અને લાઈટિંગ-સુરક્ષાની કામગીરી પણ ટૂંક સમયમાં વેગ પકડશે.લોકમેળાની કેટેગરી-એ ખાણી પીણી/એક્સપો/એક્ઝિબિશન /વિવિધ શો/ પ્રદર્શન માટે 2 પ્લોટ અને બી1/કોર્નર ખાણીપીણીના 40 પ્લોટ માટે આવતીકાલે સવારે 11:30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટની હરરાજી તા.05 ઓગસ્ટ ને બુધવારના સવારે 11:30 કલાકે તેમજ તા.06 ઓગસ્ટ ને ગુરૂૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 17 પ્લોટ માટે સવારે 11:30 કલાકે હરરાજી કરવામાં આવશે.કલેકટર તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીઓને આગળ ધપાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ