વરસાદી માહોલમાં વાયરલ રોગચાળો વકર્યો : ઝાડા – ઉલ્ટી, તાવ, શરદી – ઉધરસના કેસમાં વધારો : કમળો પણ પ્રસર્યો
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ પડયો છે. પરંતુ ચોમાસુ અને બેવડી ઋતુ બે અઠવાડિયાથી છે. તેના પગલે વાયરલ રોગચાળાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા અઠવાડિયામાં તો મેલેરીયા અને ડેંગ્યું એ પણ દેખા દીધી છે. આ ઉપરાંત ટાઇફોઇડ અને કમળાના કેસ પણ વકરતા જાય છે. સાથે ખાદ્યજન્ય એવા ઝાડા-ઉલ્ટીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થતો જાય છે.
મનપાની આરોગ્ય અને મેલેરીયા શાખાએ આજે જાહેર કરેલા રીપોર્ટ મુજબ તા.27-7 થી 2-8 સુધીના અઠવાડિયામાં ઘણા સમય બાદ મેલેરીયા અને ડેંગ્યુના એક-એક કેસ નોંધાયા છે. ખોરાક, પાણીજન્ય અને સીઝનલ રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે. સપ્તાહમાં શરદી-ઉધરસના 948, સામાન્ય તાવના 972, ઝાડા-ઉલ્ટીના 476 અને કમળા તાવનો પણ એક કેસ નોંધાયો છે.
આ રીતે સપ્તાહમાં રોગચાળાના કુલ 2399 દર્દીની નોંધ ચોપડે થઇ છે. જયારે ખાનગી દવાખાનાઓમાં પણ આ તમામ રોગની ઓપીડી ખુબ વધી ગયાનું તબીબી સુત્રોમાંથી જાણવા મળે છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સ અંતર્ગત અઠવાડિયામાં કુલ 2,98,737 જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. જેમાં 11,012 જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ 1,600 જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ 2,962 જેટલા પાણીના કલોરીન ટેસ્ટ (આર.સી. ટેસ્ટ) કરવામાં આવેલ છે.
વિભાગના જણાવ્યા મુજબ ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થલળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. જે સામે આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
મનપા દ્વારા એક અઠવાડિયામાં 91645 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 372 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. એ દરમિયાન રહેણાક સિવાય અન્ય 809 મિલ્કતોમાં તપાસ કરીને મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 173 અને કોર્મશીયલમાં 319 આસામીને નોટીસ આપવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું. તો ઝાડા-ઉલ્ટી સહિતના કેસ ધ્યાને આવે ત્યાં ઓઆરએસના પેકેટનું વિતરણ પણ આજુબાજુમાં આરોગ્ય વિભાગ કરી રહ્યો છે.
