ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. રેડ એલર્ટ જેવી સ્થિતિમાં પણ માત્ર શાસ્ત્ર પુરતુ કહી શકાય તેટલુ ચરણામૃત સમાન નવુ પાણી આવ્યુ છે. ત્રણ દિવસ દરમિયાન ન્યુ રાજકોટમાં 9 અને અન્ય ભાગમાં 6થી 8 ઇંચ વરસાદ ભલે પડ્યો હોય પરંતુ શહેરની મુખ્ય જીવાદોરી આજી-1 અને ન્યારી-1 ડેમમાં માંડ અડધો ફૂટ પાણી આવ્યુ છે. મનપાની વોટર વકર્સ શાખાના સતાવાર જણાવ્યા મુજબ માત્ર બે જ દિવસનું પાણી આવ્યુ છે. જો કે હજુ અડધુ ચોમાસુ બાકી છે. મેઘરાજા નવા રાઉન્ડમાં જળબંબાકાર આગમન કરે અને વર્ષ આખુ ચાલે તેટલી અમીકૃપા વરસાવે તેવી આશા અમર છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટવાસીઓ તેમજ તંત્રને એવી પ્રબળ આશા હતી કે આ ત્રણ દિવસના મુસળધાર વરસાદમાં શહેરની મુખ્ય જીવાદોરી સમાન આજી-1 ડેમ અને ન્યારી-1 ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જશે. જો આ બંને મુખ્ય જળાશયો છલકાઈ ગયા હોત તો રાજકોટ શહેર માટે આખા વર્ષના પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો હોત. પરંતુ કુદરતનો મિજાજ કંઈક જુદો જ જોવા મળ્યો હતો અને ધારણા મુજબ ડેમોમાં પાણીની આવક થઈ શકી નથી. રેડ એલર્ટના દિવસોમાં 9 ઇંચ વરસાદ છતાં ડેમોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલી જ પાણીની આવક થઇ છે. શહેરમાં ભલે કુલ 9 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડી ગયો હોય, છતાં પણ શહેરના મુખ્ય જળાશયોના જળસ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. સ્થાનિક કચરાશ અને કેચમેન્ટ એરિયામાં ઓછો વરસાદ થવાને કારણે આજી-1 અને ન્યારી-1 ડેમમાં માત્ર બે જ દિવસ ચાલે તેટલા પાણીનો નવો જથ્થો આવ્યો છે.
ત્રણ દિવસમાં શહેરમાં ભલે 9 ઇંચ વરસાદ પડ્યો, પણ શહેરની તરસ છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં ચિંતા યથાવત
રાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહીના ત્રણ દિવસમાં સૌથી વધુ ન્યુ રાજકોટમાં 9 ઇંચ પડ્યો છે. જ્યારે મોસમનો સૌથી ઓછો વરસાદ 15.86 ઇંચ શહેરની મધ્યમાં પડ્યો છે. સામાકાંઠે અત્યાર સુધીમાં 17.16 ઇંચ નોંધાયો છે. દરમિયાન શુક્રવારથી રવિવાર સુધી જે રીતે રેડ એલર્ટ હતુ એ મુજબ એવી ધારણા હતી કે, જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાય તેવો તોફાની વરસાદ વરસશે. સદનસીબે મેઘરાજાએ ખૂબ જ સંયમપૂર્વક કૃપા વરસાવી હતી. આગાહીના ત્રણેય દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં તૃટક તૃટક ધોરણે હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા.
હજુ પણ નર્મદા મૈયાના આશરે જીવવું પડશે, 250 એમસીએફટી લેવાશે
ડેમોમાં પૂરતી આવક ન થવાને કારણે વર્તમાન સ્થિતિએ રાજકોટવાસીઓએ પોતાના દૈનિક પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે હજુ પણ નર્મદાના નીર પર જ નિર્ભર રહેવું પડે તેમ છે. જો સ્થાનિક ડેમો ભરાયા હોત તો નર્મદાના પાણી પરની નિર્ભરતા ઘટી શકી હોત, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો માટે નર્મદા મૈય્યા જ આશાનું મુખ્ય કિરણ બની રહ્યા છે. પાણી પુરવઠો ખોરવાય નહીં તે માટે નર્મદાનું પાણી સતત મેળવતા રહેવું રાજકોટ માટે અનિવાર્ય બની ગયું છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ લાંબો સમય ખેંચાશે તો રાજકોટ માટે પીવાના પાણીની ચિંતા અને ગંભીરતામાં મોટો વધારો થઈ શકે છે. આ સંભવિત જળસંકટને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. મનપાએ ચોમાસા પહેલા સરકાર પાસે નર્મદાનું 800 એમઅસીએફટી પાણી માગ્યુ હતુ. એ પૈકી હજુ 250 એમસીએફટી પાણી બાકી છે તે આપવા માગણી યથાવત રાખવામા આવશે
