રાજકોટના ચૌધરી હાઇસ્કુલ રોડ પર ગંદકીથી ખદબદતું મદ્રાસ કાફે સીલ

મનપાની ફૂડ શાખાએ વધુ 41 પેઢીમાં કર્યુ ચેકીંગ: 13 પેઢીને નોટિસ : 120 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ

રાજકોટના ચૌધરી હાઇસ્કુલથી આર વલ્ડ સિનેમાની વચ્ચે આવેલા જયહિન્દ મદ્રાશ કાફે મનપાની ફૂડ શાખાએ સીલ કર્યુ છે. ચેકીંગ દરમિયાન મદ્રાસ કાફેના રસોડામાં નાકે ડૂચા દેવા પડે તેવી ગંદકી હતી. ફ્રીજમાંથી સંગ્રહ કરી રખાયેલી રાંધેલી વાસી ખાદ્યસામગ્રી પણ મળી આવી હતી. મનપાની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 41 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ કરી 3ર કિલો અખાદ્ય માલ અને 1ર0 કિલો એકસપાયર ડેટના કોલ્ડ્રીંકસનો નાશ કરી 13 પેઢીને નોટીસ આપી હતી.
કસ્તુરબા રોડ, બિલખા પ્લાઝા બિલ્ડીંગ સામે આવેલ જયહિન્દ મદ્રાસ કાફેમાં ગત સપ્તાહે ચેકીંગ કરાયું હતું. આ સમયે ફૂડ વિભાગ અને સુરક્ષા સ્ટાફ સાથે રકઝક થઇ હતી. પેઢીમાં વાસી અને અખાદ્ય ખોરાકનો સંગ્રહ અને ફ્રીઝમાં ગંદકી, કિચનમાં દુર્ગંધવાળા વાતાવરણમાં ખુલ્લા મસાલા તથા ખુલ્લા પ્રિપેડ ફૂડનો જથ્થો દેખાયો હતો. આથી આ પેઢીને નોટીસ આપી સીલ મારવામાં આવ્યા હતા.
જ્યારે જુના માર્કેટ યાર્ડમાં દુકાન નં.ઇ-69માં રહેલ શ્યામ એન્ડ કંપની નામની પેઢીને લાયસન્સ માટે નોટીસ આપી લાલ મરચા પાવડર, ધાણાજીરૂ પાવડર, શંખ મસાલા ટર્મરીક પાવડરના કુલ ત્રણ નમુના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 1પ0 ફુટ રોડ પર બાલાજી હોલ પાછળ, સરદારપાર્ક-1માં આવેલ સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની જગ્યાને પણ સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટીસ આપી 1ર0 લીટર એકસપાયર જથ્થો, 10 કિલો પડતર લોટનો નાશ કરી રૂા. એક હજારનો દંડ કરાયો હતો.
નંદી પાર્કના બાલાજી છોલે ભટુરે, જયોતિનગરના ઉમા પાન, રામ ડિલક્ષ, સંતકૃપા ટી સ્ટોલ, ન્યુ બોમ્બે સ્ટાઇલ ભેળ, પટેલ પાન કોલ્ડ્રીંકસ, શ્રી મોમાઇ હોટલ, જીજે પ ગોલા, મવડી બાયપાસે ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીકસને નોટીસ આપી રૂા.પ00 થી પાંચ હજારનો દંડ લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ વિભાગે જયાં તપાસ કરી તેમાં મવડી રોડ, કસ્તુરબા રોડ, જુના માર્કેટ યાર્ડ રોડ, 1પ0 ફુટ રોડ, જયોતિનગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં બાલાજી પંજાબી સાઉથ ઇન્ડિયન, સફાયર ફૂડ (પિઝા હટ)આર વર્લ્ડ આઇનોકસ નીચે ગ્રાઉન્ડ ફ્લોર કસ્તુરબા રોડ, પટેલ પાન કોલ્ડ્રીક્સ, ક્રિષ્ના ટી સ્ટોલ, ઠાકરધણી પાન કોલ્ડ્રિંક્સ, વિહાન નમકીન, હરિ ઓમ પાણીપુરી, ચામુંડા દાળ પકવાન, ખોડીયાર ડાઇનિંગ હોલ, ગેલ આઈ ટી સ્ટોલ, રામદેવ ઘૂઘરા, જીજે પ સેન્ડવીચ, શ્યામ ડીલક્ષ, પટેલ ડાઇનિંગ હોલ, મોમાઈ ગાંઠિયા, એમ ડી સેન્ડવીચ, શિવ ઢોસા, રાજપાન એન્ડ કોલ્ડ્રીંકસ, ચામુંડા લસ્સી, રાજસ્થાની ગુલ્ફીવાલા, ઠાકરધણી હોટલનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ