મનપામાં કાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મંજૂરી માટે રજૂ થયેલી દરખાસ્ત
રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા કોઠારિયામાં માળખાકીય સુવિધાની સાથે રિયલ એસ્ટેટનો વિકાસ પૂરપાટ દોડી રહ્યો છે. પ્રાથમિક સુવિધા વધુ આધુનિક મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા અહીં હવે બનતા નવા રસ્તા સીસી બનાવવા માટેના આયોજનના ભાગરૂપે રોલેક્ષ રોડ સિમેન્ટથી મઢવા માટે રૂ.9.41 કરોડનું એસ્ટિમેટ તૈયાર કરવામા આવ્યુ છે. ખર્ચ મંજૂરી અને કોન્ટ્રાક્ટ આપવા માટે ગુરુવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થઇ છે.
મહાપાલિકાએ થોડા મહિના પહેલા કોઠારીયાના આ ભાગોમાં સીસી રોડનું આયોજન કર્યુ હતું અને બજેટમાં પણ મંજૂર કરાયેલું છે. હવે તાજેતરમાં મુખ્યમંત્રીએ મહાનગરોમાં સીસી રોડ જ બનાવવા સૂચના આપતા મહાપાલિકામાં હવે તબકકાવાર નવા સીમેન્ટ રોડ બનાવવાનું આયોજન અને લાઇન શીફટીંગ સહિતના પ્લાન શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેને પરેશભાઇ પીપળિયાએ કહ્યું હતું.
વોર્ડ નં.18માં રોલેક્ષ રોડ અને સાંઇબાબા સર્કલથી ભવાની ચોક, કોઠારીયા મેઇન રોડ સુધી સીસી રોડ અને પાંચ વર્ષના ગેરેંટી પીરીયડ સાથેના કામ માટે થોડા સમય પહેલા 10.4પ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાં 2025-26માં આ માટે ગ્રાન્ટ મંજૂર થયેલી છે. કોઠારીયા ટીપી 30 મંજૂર થતા ર4 મીટરના રોલેક્ષ રોડ પર માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલનું ફેઝ-1નું કામ અગાઉ કરાયું હતું. હવે બાકીના એક કિ.મી.ના આ રોડ માટે ભાવ મંગાવવામાં આવતા તુલસી પ્રોજેકટસે 9.93 ટકા ઓછા એટલે કે 9.41 કરોડમાં કામ કરી આપવા ઓફર મુકતા આ ટેન્ડર અધિકારીઓએ મંજૂર કર્યુ હતું. હવે રોલેક્ષ રોડ આસપાસની સોસાયટીઓ અને માલધારી ફાટક, કોઠારીયા મેઇન રોડ આસપાસના બિનરહેણાંક એકમોને સીમેન્ટ રોડનો લાભ રાહત સાથે મળવાનો છે. જે માટે શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા સતત રજુઆતો કરતા હતા.
આજી ડેમના કાંઠે આવેલા સુપ્રસિધ્ધ દાદા હનુમાન મંદિર રોડ પણ સિમેન્ટથી મઢાશે
ગુરૂવારની મીટીંગમાં વોર્ડ નં.15ના આજી ડેમ ખાતે આવેલ દાદા હનુમાન મંદિરના રોડને હયાત સીમેન્ટ રોડથી બગીચાની દિવાલ સુધી અને ત્યાંથી મંદિરના ગેટ સુધી સીસી કામ કરવાની દરખાસ્ત આવી છે. વિહોત ક્નસ. કંપનીએ 28.76 ટકા ઓછા ભાવે રૂા. 26 લાખમાં આ કામ કરી દેવા ઓફર આપી છે. તેનાથી ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીથી થતું રસ્તાનું ધોવાણ અટકશે અને રાહદારીઓને રાહત થશે. 5.10 મીટર પહોળાઇમાં 400 રનીંગ મીટરમાં આ સીસી કામ કરવાનું છે.
બગીચા, રામવન, રસ્તા ઉપર 44.66 લાખના ખર્ચે 18229 વૃક્ષો રોપાશે
આગામી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શહેરના જુદા જુદા ટીપી પ્લોટ, રામવન સહિતના સ્થળે વૃક્ષારોપણ, સોલીડ વેસ્ટ શાખાના કામ માટે સલાહકાર રોકવા, મિલ્કતોના બાકી જીઓ ટેગીંગ સહિતની દરખાસ્તો પર તા.6ના રોજ શાસકો નિર્ણય કરશે. શહેરના જુદા જુદા છ ટીપી રોડ, રામવન પાર્કિંગ, મોટા મવા હેડવર્કસમાં વૃક્ષારોપણની કામગીરી માટે દરખાસ્ત આવી છે. મીયાવાકીમાં પ્રતિ ચો.મી. રૂા.310 લેખે કામગીરી મંજૂર થયેલી છે. ઘનિષ્ઠ વૃક્ષારોપણ માટે રૂા.640 નો ભાવ મંજુર છે. પોપટપરા સેન્ટ્રલ જેલ પાછળ અને મોટા મવા હેડવર્કસ, ફનબ્લાસ્ટ પાસેના રોડ પર 3200 ચો.મી. વિસ્તારમાં 12,800 વૃક્ષ 9.92 લાખના ખર્ચે મીયાવાકી પધ્ધતિથી મંજૂર કરાશે. તો રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં ગાર્ડન હેતુના પ્લોટ, સિલ્વર-ગોલ્ડ, રામવન પાર્કિંગ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મોચીનગર-1, રાજીવનગર, રંગોલી પાર્ટી પ્લોટ પાસે મળી 7 સથળે 34.74 લાખના ખર્ચે 5429 વૃક્ષ રોપાશે. કુલ 44 લાખના ખર્ચે 18229 વૃક્ષ રોપવાનું આયોજન છે. ઇસ્ટ ઝોનના જુદા જુદા ગાર્ડન, સીનીયર સીટીઝન પાર્ક, બાલક્રિડાંગણ એક વર્ષની જાળવણીનું કામ કોનાર્ક એજન્સીને 29.99 ટકા ઓછા ભાવે 92.81 લાખમાં આપવા દરખાસ્ત આવી છે.
શહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ
રાજકોટ નપાના ચોપડે નોંધાયેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવામા આવી રહ્યુ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા બાદ વધુ 3 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા આગામી ગુરુવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરવામા આવી છે. મિલકત કોની છે? તેનો વેરો કેટલો આવે છે? કેટલો બાકી છે? કેટલા ચોરસફૂટનું બાંધકામ છે? એ સહિતનો ઇતિહાસ આંગળીના ટેરવે નીકળી શકે છે.
રાજકોટમાં આક્રમણ કરતા મચ્છરોનો ખાત્મો કરવા ડ્રોનથી દવા છંટકાવ થશે
રાજકોટમાં અચાનક જ મચ્છરોનું આક્રમણ થયુ છે. એકબાજુ બેડી માર્કેટિંગ યાર્ડ પાસેની નદીમાંથી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી શરૂ થતા જ મચ્છરોના ઝૂંડના ઝૂં શહેરમાં ઘુસ્યા છે તો બીજીબાજુ આજી નદીમાં પણ ગાંડી વેલ દૂર કરવાનું કામ શરૂ થતા આજીમાંથી પણ મચ્છરોનું આક્રમણ થયુ છે. મચ્છરોના આ ઉપદ્રવ સામે મનપાએ વોર્ડવાઇઝ ફોગીંગ ઝૂંબેશ શરૂ કરી છે. ફોગીંગ મશીન ઉપરાંત હવે ડ્રોનથી પણ દવા છંટકાવ કરવાનુ આયોજન છે. કોન્ટ્રાક્ટ આપવા આગામી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત છે.
શહેરના ટ્રાફિક સર્કલ પરના આઇલેન્ડની જાળવણી માટે અપાશે કોન્ટ્રાક્ટ
ત્રણે ઝોનમાં રોડ સેન્ટ્રલ વર્ઝ, ટ્રાફિક જંકશનના આઇલેન્ડ, સર્કલ જાળવણીની નિભાવણી માટે ટેન્ડર બહાર પડાતા 4.10 કરોડના બે વર્ષના કોન્ટ્રાકટનો અંદાજ મળ્યો છે. સેન્ટ્રલ અને વેસ્ટમાં પીએમ એન્ટરપ્રાઇઝ તથા ઇસ્ટમાં છગનભાઇ તળપદાએ એક સરખા 28.88 ટકા ઓછા ભાવે કામ કરી આપવા ઓફર આપી છે.
