પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન પર દુકાનો ચણી ભાડે ચડાવી દીધી

પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સરકારી જમીન પચાવી પાડી તેમાં પાંચ દુકાનો બનાવી ભાડે આપનાર ખોડાપીપર ગામના રહીશ ભરતભાઈ સુરેશભાઈ ડાવેરા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ, પડધરી તાલુકાના ખોડાપીપર ગામે આવેલા સરકારી ખરાબાના સર્વે નંબર 137 પૈકી 2 વાળી જમીન પર બિનઅધિકૃત રીતે કબ્જો જમાવીને પાંચ શટરવાળી દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દુકાનો અન્ય આસામીઓને ભાડે આપી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવામાં આવી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હોય , આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કલેક્ટર કચેરી અને મહેસુલી વિભાગની તપાસ બાદ થયો હતો. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી મહેસુલી અધિકારીઓની બેઠકની સૂચના અનુસાર ખોડાપીપરના મહેસુલી તલાટી, પડધરીના નાયબ મામલતદાર (દબાણ) તથા સર્કલ ઓફિસર દ્વારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ભરતભાઈ સુરેશભાઈ ડાવેરાએ સરકારી ખરાબાની કરોડોની કિંમત ધરાવતી જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી લીધી છે. મહેસુલી ટીમ દ્વારા 7 ફેબ્રુઆરી 2026ના રોજ સાધનિક કાગળો તૈયાર કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) મારફતે કલેક્ટર સમક્ષ સ્યુઓમોટો અહેવાલ સાદર કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી વિશેષ કમિટીની 18 જુલાઈ 2026ના રોજની બેઠકમાં આ કેસની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. તપાસ સમિતિ દ્વારા તમામ આધાર-પુરાવાઓ અને 191 પાનાના અસલ પ્રકરણની ચકાસણી કર્યા બાદ આરોપી ભરતભાઈ ડાવેરા સામે સર્વાનુમતે એફ.આઈ.આર. દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કલેક્ટર સમિતિના આદેશ બાદ પડધરી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે.જી. સખીયાને સરકારપક્ષે ફરિયાદ નોંધાવવાતા પડધરી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 3 અને 4 હેઠળ ભરતભાઈ સુરેશભાઈ ડાવેરા સામે ગુનો નોંધ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો દોર ડીવાયએસપી ડી.એસ. ઝાલાને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા તેમજ આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવા આગળની તજવીજ હાથ ધરી રહી છે. સરકારી જમીનો પર ગેરકાયદે દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા લેવાયેલા આ સખત વલણથી ભૂમાફિયાઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ