RMC રૂ.500માં આપશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મુર્તિ

સેલ્ફ ફાયનાન્સ સ્કુલોના સહયોગથી 1 ફૂટની 10 હજાર મુર્તિનું વિતરણ કરાશે : ચછ કોડથી બુકિંગ

રાજકોટ શહેરમાં પર્યાવરણની જાગૃતિ અને સંરક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક ઉમદા, અનુકરણીય અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો માટે માટીમાંથી બનેલી ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જળાશયોને પીઓપીથી થતા પ્રદૂષણને અટકાવવાના હેતુથી આ માટીની મૂર્તિઓ અત્યંત વ્યાજબી અને રાહત દરે એટલે કે માત્ર રૂપિયા 500ના ટોકન દરે વિતરણ કરવામાં આવશે. જેમા શહેરની સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળનો સંપુર્ણ સહયોગ મળ્યો છે. મેયર ડો.નેહલ શુક્લ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ સંચાલક મંડળના હોદેદારોની એક સયુંક્ત પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપવામા આવી હતી.
પત્રકાર પરિષદમાં અપાયેલી વિગત મુજબ કુલ 10,000 જેટલી માટીની ગણેશ મૂર્તિઓ તૈયાર કરાવવામાં આવી રહી છે. વિતરણ વ્યવસ્થાને વધુ સુચારુ અને નાગરિકો માટે સરળ બનાવવા માટે શહેરની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને જ વિતરણ કેન્દ્ર તરીકે નિર્ધારિત કરવામાં આવી છે, જેથી નાગરિકો પોતાના નજીકના વિસ્તારમાંથી જ સરળતાથી મૂર્તિ મેળવી શકે. વધુમાં, ટેકનોલોજીનો ઉપયોગ કરીને એડવાન્સ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે વિશેષ ક્યુઆર કોડ (ચછ ઈજ્ઞમય) જનરેટ કરવામાં આવ્યો છે. શહેરીજનો આ ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના ઘરબેઠા સરળતાથી માટીની મૂર્તિનું બુકિંગ કરાવી શકશે.

આવતા વર્ષથી મનપા ખુદ ટેન્ડરથી માટીની મુર્તિ બનાવડાવશે

મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ કે, આ વર્ષે સમયનો ગાળો ખૂબ જ ટૂંકો હોવાથી આ મર્યાદિત સંખ્યામાં આયોજન શક્ય બન્યું છે, પરંતુ આ પહેલને ભવિષ્યમાં વધુ વ્યાપક બનાવવામા આવશે. આવતા વર્ષથી મનપા દ્વારા ખુદ સ્વતંત્ર ટેન્ડર બહાર પાડવામાં આવશે જેથી વધુમાં વધુ નાગરિકોને માટીની મુર્ત આપી શકાય. આ ઉપરાંત, ભક્તોને વિસર્જન માટે દૂર જવું ન પડે અને સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહે તે માટે આગામી વર્ષે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વિશેષ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવશે તેવી ઈચ્છા પણ મેયર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સાર્વજનિક પંડાલોમાં પણ ઇકો ફ્રેન્ડલી મુતિનું સ્થાપન કરવા મેયરનો અનુરોધ
મેયરે શહેરના તમામ નાગરિકોને પોતાના ઘરોમાં માત્ર માટીના ગણેશજીની જ સ્થાપના કરવા માટે ભાવભીની અપીલ કરી છે. તેની સાથે જ શહેરના વિશાળ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો અને પંડાલના સંચાલકોને પણ વિશિષ્ટ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પણ પોતાના પંડાલોમાં વિશાળકાય પીઓપીની મૂર્તિઓના સ્થાને માટીમાંથી બનેલી શ્રદ્ધાસ્પદ મૂર્તિઓની જ સ્થાપના કરે.

રિલેટેડ ન્યૂઝ